04 September, 2026 03:01 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશમાં હાહાકાર : રાજ્યના ૨૩ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે અને ૧૬ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા છે. કાશીમાં ગંગા અને વરુણા નદીનાં પાણી ઘરોમાં ઘૂસી જતાં ૪૦૭ પરિવારોએ ઘર છોડ્યાં હતાં. મણિકર્ણિકા ઘાટ ડૂબી જતાં છત પર અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે.
બિહારમાં પૂરનો કેર : બિહારમાં ૮ નદીઓ તોફાની બની છે અને ૧૩ જિલ્લાઓ પૂરના કારણે અસરગ્રસ્ત થયા છે. પટનામાં ગંગા નદી ભયજનક સપાટીથી બે ફુટ ઉપર વહી રહી છે.
ઓડિશામાં જળબંબાકાર: ઉત્તર ઓડિશામાં સુવર્ણરેખા નદીમાં જળસ્તર વધતાં ૩૭૩ ગામડાંઓમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં અને પ્રશાસને લોકોને તાત્કાલિક રાહત-શિબિરોમાં ખસેડ્યા હતા.
હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન: બુધવાર રાતના ભારે વરસાદ બાદ ઠેરઠેર ભૂસ્ખલન થવાથી ૧૭૫થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. કાલકા-શિમલા ફોરલેન પર કાટમાળ પડતાં આખી રાત અનેક વાહનો ફસાયેલાં રહ્યાં હતાં.
મધ્ય પ્રદેશમાં રેડ અલર્ટ : નર્મદાપુરમ અને છિંદવાડામાં અતિ ભારે વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પંજાબ અને રાજસ્થાનમાં પણ આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.