અરુણાચલ પ્રદેશ અને આસામમાં પૂર અને ભૂસ્ખલનનો પ્રકોપ

30 June, 2026 09:01 AM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

આસામમાં ૬ જિલ્લાના ૨૨,૦૦૦થી વધુ લોકો પ્રભાવિત, તમામ વ્યવહાર ખોરવાયો

અરુણાચલ પ્રદેશના કેયી પન્યોર જિલ્લામાં પૂરે સર્જેલી તબાહી, આસામના ધેમાજીમાં સિમેન નદી પરનો રેલવે-બ્રિજ આંશિક રીતે નમી પડ્યો હતો.

અરુણાચલ પ્રદેશમાં ૧૨ જિલ્લા પ્રભાવિત, ત્રણનાં મોત: વાયુસેનાએ હેલિકૉપ્ટરથી ૪ લોકોને રેસ્ક્યુ કર્યા : અનેક હાઇવે અને પુલ ધોવાયા, હવામાન વિભાગની વધુ ભારે વરસાદની ચેતવણી

અરુણાચલ પ્રદેશમાં ચોમાસાના મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. પૂર અને ભયાનક ભૂસ્ખલનને કારણે રાજ્યના ૧૨ જિલ્લાઓમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેયી પન્યોર જિલ્લામાં આવેલા અચાનક પૂરમાં અત્યાર સુધીમાં ૩ લોકોનાં મોત થયાં છે અને બે લોકો હજી પણ ગુમ છે જેમની શોધખોળ ચાલી રહી છે. આ સિવાય અંજો જિલ્લામાં હાઇવે કામગીરી દરમ્યાન એક ઑપરેટર પર મોટો ખડક પડતાં તેનું મોત થયું હતું. રાહતની વાત એ છે કે લોઅર દિબાંગ વૅલીમાં સિસિરી નદીના ટાપુ પર ફસાયેલા ૪ લોકોને ભારતીય વાયુસેનાના હેલિકૉપ્ટર દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 

વરસાદને કારણે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન પહોંચ્યું છે. ઈસ્ટ સિયાંગ જિલ્લામાં ૧૧ મુખ્ય માર્ગોમાંથી પાસીઘાટ-પેન્ગ્વિન સહિતના ૯ મહત્ત્વના હાઇવે બ્લૉક થઈ ગયા છે. લેદુમ વિસ્તારમાં નદીએ પ્રવાહ બદલતાં અનેક ઘરો પાણીમાં ડૂબી ગયાં છે અને એક મહત્ત્વનો પુલ પણ તૂટી ગયો છે. પૂરને કારણે બેઘર થયેલા પરિવારોને સુરક્ષિત સ્થળે રાહતકૅમ્પોમાં ખસેડવામાં આવ્યા હતા. હવામાન વિભાગે આગામી સમયમાં પૂર્વ સિયાંગ અને પાપુમ પારે સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વધુ ભારે વરસાદની આગાહી કરી હોવાથી પ્રશાસને લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી પ્રવાસ ન કરવાની કડક સૂચના આપી છે. 

આસામમાં ૬ જિલ્લાના ૨૨,૦૦૦થી વધુ લોકો પ્રભાવિત, તમામ વ્યવહાર ખોરવાયો
ધેમાજી જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત; ભારે વરસાદને કારણે ટ્રેન-સેવાઓ રદ કરાઈ, ૧૬૯૦ હેક્ટર પાકને થયુ નુકસાન

આસામમાં પૂરની સ્થિતિ સતત વણસી રહી છે જેના કારણે રાજ્યના ૬ જિલ્લાઓમાં ૨૨,૦૦૦થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આસામ સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (ASDMA)ના અહેવાલ મુજબ ધેમાજી, લખીમપુર, ચિરાંગ, કોકરાઝાર, નલબારી અને દિબ્રુગઢ જિલ્લાઓમાં પૂરના કારણે ભારે નુકસાન થયું છે. હાલમાં કુલ ૯૬ ગામો પાણીમાં ડૂબી ગયાં છે જેમાં એકલા ધેમાજી જિલ્લાનાં જ ૬૯ ગામોનો સમાવેશ થાય છે. પૂરના કારણે અત્યાર સુધીમાં ૧૬૯૦ હેક્ટર વિસ્તારમાં પાકને ભારે નુકસાન થયું છે. જોકે રાહતની વાત એ છે કે પૂરને કારણે હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. પ્રશાસન દ્વારા પ્રભાવિતોની મદદ માટે ૬ રાહત વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે.

બીજી તરફ ભારે વરસાદ અને નદીઓના જળસ્તરમાં વધારાને કારણે અપર આસામમાં રેલવે કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. ધેમાજી જિલ્લામાં ૧૧૦ મિલીમીટરથી વધુ વરસાદ ખાબકતાં નદીના કિનારે ભારે ધોવાણ થયું છે જેના લીધે રેલવે બ્રિજને નુકસાન પહોંચ્યું છે. 

national news india assam arunachal pradesh monsoon news indian meteorological department north india