જયપુરમાં CJPના આંદોલન પછી ભેંસના તબેલામાં ચાલતી સરકારી સ્કૂલ કામચલાઉ મકાનમાં ખસેડાઈ

23 August, 2026 08:08 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

શિક્ષણ વિભાગની મંજૂરી મળ્યા બાદ ગઈ કાલે જ આ નવા સ્થળે સ્કૂલના ૧૮ વિદ્યાર્થીઓ માટે વિધિવત્ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે

ભેંસના તબેલામાં ચાલતી સરકારી પ્રાથમિક શાળા

રાજસ્થાનના જયપુર જિલ્લાના રામપુરા-કાનવરપુરા ગામમાં છેલ્લા ઘણા સમયથી ભેંસના તબેલામાં ચાલતી સરકારી પ્રાથમિક શાળાને હવે એક કામચલાઉ ઇમારતમાં ખસેડવામાં આવી છે. શિક્ષણ વિભાગની મંજૂરી મળ્યા બાદ ગઈ કાલે જ આ નવા સ્થળે સ્કૂલના ૧૮ વિદ્યાર્થીઓ માટે વિધિવત્ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.

અગાઉ આ સ્કૂલ જે મૂળ મકાનમાં ચાલતી હતી એની હાલત અત્યંત જર્જરિત અને અસુરક્ષિત હોવાથી મજબૂરીવશ બાળકોને અસ્થાયીરૂપે ભેંસના વાડામાં બેસાડીને ભણાવવામાં આવતાં હતાં. આ દયનીય સ્થિતિના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા બાદ કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા સ્કૂલની મુલાકાતની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ગ્રામજનો દ્વારા CJPના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્તરે આ ઘટના ચમક્યા બાદ અંતે પ્રશાસને સ્થાનિક ગ્રામજનોની મદદથી બાળકોની સ્કૂલ કામચલાઉ મકાનમાં ખસેડી હતી. 
સ્થાનિક ગ્રામજનોએ આ નિર્ણયનું ઉષ્માભેર સ્વાગત કર્યું છે અને સ્કૂલને તમામ પ્રકારનો ટેકો આપવાનું વચન આપ્યું છે. ગ્રામજનોએ એકસૂરમાં જણાવ્યું હતું કે સ્કૂલ અને બાળકો તેમનાં પોતાનાં છે તેથી તેઓ કાયમી સ્કૂલના નિર્માણ માટે પણ પૂરતો સાથ-સહકાર આપશે.

રાજસ્થાનમાં ૬૧૧ સરકારી સ્કૂલો મકાન વિના ચાલી રહી છે- રાજ્ય સરકારે વિધાનસભામાં ચોંકાવનારા આંકડા રજૂ કરીને જૂની સરકાર પર ઢોળ્યો દોષનો ટોપલો : સ્કૂલોના સમારકામ માટે ૫૫૦ કરોડ રૂપિયા ફાળવાયા હોવાનો દાવો
શુક્રવારે રાજસ્થાન વિધાનસભામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે રાજ્યમાં ૬૧૧ સરકારી સ્કૂલો પોતાના મકાન વગર જ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકારે સ્કૂલોની આ દયનીય પરિસ્થિતિનો ચિતાર વિધાનસભામાં રજૂ કર્યો હતો. જોકે એની સાથે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોટની કૉન્ગ્રેસ સરકારને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી હતી.
વિપક્ષના નેતા ટીકારામ જુલીના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ‘સર્વ શિક્ષા અભિયાન હેઠળ યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફૉર ઍજ્યુકેશન (UDISE)ના આંકડા મુજબ આ ૬૧૧ સ્કૂલોમાં ૧૦ કન્યા સ્કૂલો પણ સામેલ છે. રાજ્યની જે ૬૪,૪૮૪ સ્કૂલો પાસે મકાન છે એમાંથી ૨૦૪૭માં શૌચાલયની અને ૧૦૪૯માં પીવાના પાણીની સુવિધા નથી. બાંસવાડામાં સૌથી વધુ ૧૮૮ સ્કૂલો શૌચાલય વગરની છે, જ્યારે દૌસામાં ૯૬ સ્કૂલોમાં પાણી નથી.’ રાજ્ય સરકારે મકાન વગરની અને જર્જરિત સ્કૂલોના સમારકામ માટે ૫૫૦ કરોડ રૂપિયા અને નવાં મકાનો બનાવવા ૪૫૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આગામી પાંચ વર્ષમાં કુલ ૧૨,૫૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. 

national news india jaipur rajasthan