14 August, 2026 08:45 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે લોકસભામાં વંદે માતરમ્ના ગાન વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ સહિતના સભ્યો.
સંસદનું મૉન્સૂન સત્ર ગુરુવારે પૂરું થઈ ગયું હતું. છેલ્લા દિવસે લોકસભાની કાર્યવાહી માત્ર ૧ મિનિટ ચાલી હતી અને રાજ્યસભામાં માત્ર ૧ કલાક કાર્યવાહી ચાલી હતી. લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને પૂરી કૅબિનેટ તેમ જ વિપક્ષના પણ મોટા ભાગના નેતાઓ હાજર રહ્યા હતા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગઈ કાલે પહેલી વાર સંસદમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ના ગાનથી શરૂઆત કરી હતી. જોકે એ પછી લોકસભામાં કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી અને અનિશ્ચિતકાળ માટે સત્ર મુલતવી રાખવામાં આવ્યું હતું. બીજી તરફ રાજ્યસભામાં માઇન્સ ઍન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ ઍન્ડ રેગ્યુલેશન) ઍક્ટમાં અમેન્ડમેન્ટ પાસ થયું હતું.
૧૧૪ કલાકને બદલે માત્ર ૧૭.૩૦ કલાક કામ થયું લોકસભામાં
આ સત્રમાં કુલ ૧૯ બેઠકો થઈ હતી. સામાન્ય રીતે સવારે ૧૧થી સાંજે ૬ વાગ્યા સુધી સત્ર ચાલતું હોય છે અને વચ્ચે એકથી બે વાગ્યા દરમ્યાન લંચ-બ્રેક હોય છે. એ રીતે જોઈએ તો દિવસમાં ૬ કલાક સત્ર ચાલે. ૧૯ દિવસમાં કુલ ૧૧૪ કલાક કામ ચાલવું જોઈતું હતું, પરંતુ માત્ર ૧૭ કલાક અને ૩૦ મિનિટ સત્ર ચાલ્યું હતું. મતલબ કે લોકસભાએ ૯૬ કલાક અને ૩૦ મિનિટ બગાડ્યાં હતાં. ગયા વર્ષે મૉન્સૂન સત્રમાં ૨૧ બેઠકો થઈ હતી, પરંતુ લોકસભામાં માત્ર ૩૭ કલાક કામ થયું હતું.
હાથમાં વાંદરાનાં રમકડાં લઈને વિપક્ષે લગાવ્યા નારા,
‘૫૬ ઇંચ કા છોટા બંદર, જલદી આઓ સદન કે અંદર’
મૉન્સૂન સત્રના છેલ્લા દિવસે વિપક્ષી સંસદસભ્યોએ પાર્લમેન્ટ પરિસરમાં રમકડાંના વાંદરા અને સૉફ્ટ ટૉય્ઝ લઈને પ્રદર્શન કર્યું હતું. કૉન્ગ્રેસના સંસદસભ્ય પવન ખેડાના નેતૃત્વમાં નારાબાજીઓ કરીને સરકાર પર વિદ્યાર્થીઓના મુદ્દે ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો હતો. પ્રદર્શનમાં નારાઓ ગૂંજ્યા હતા, ‘૫૬ ઇંચ કા છોટા બંદર, જલદી આઓ સદન કે અંદર.’