ધારમાં ગૌમૂત્રથી ભોજશાલાનું શુદ્ધીકરણ, ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત સ્થાપવામાં આવી

18 May, 2026 09:50 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશની હાઈ કોર્ટનો આદેશ અને નવી ગાઇડલાઇન બાદ પહેલી વાર માઁ વાગ્દેવીની પૂજા

ધારની ભોજશાલામાં ગઈ કાલે ભોજ ઉત્સવ સમિતિએ ટેમ્પરરી મૂર્તિની સ્થાપના કરીને પૂજા, અનુષ્ઠાન અને આરતી કર્યાં હતાં.

આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI)ની નવી ગાઇડલાઇનના અમલીકરણ બાદ ગઈ કાલે મધ્ય પ્રદેશમાં ધારની ઐતિહાસિક ભોજશાલામાં ઔપચારિક પૂજા કરવામાં આવી હતી. ગઈ કાલે સવારે મોટી સંખ્યામાં ભક્તો માઁ વાગ્દેવીનો ફોટોગ્રાફ લઈને ભોજશાલા પહોંચ્યા હતા.

ભોજ ઉત્સવ સમિતિએ ગંગાજળ અને ગૌમૂત્રથી પરિસરનું શુદ્ધીકરણ કર્યું હતું. ત્યાર બાદ ગર્ભગૃહને રંગોળીથી શણગારવામાં આવ્યું હતું. પરિસરની બહાર જ્યોતિ મંદિરમાંથી નીકળતી શાશ્વત જ્યોત પણ ગર્ભગૃહમાં સ્થાપવામાં આવી હતી. મંત્રોચ્ચાર, દેવી અનુષ્ઠાન અને વાસ્તુપૂજા કર્યા પછી સવારે ૧૧.૪૫ વાગ્યે આરતી કરવામાં આવી હતી.

જોકે કૉન્ગ્રેસના સંસદસભ્ય દિગ્વિજય સિંહે ભોજશાલા કેસમાં હાઈ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવતાં ઇન્દોરમાં કહ્યું હતું કે ‘કોર્ટનો આદેશ અસ્પષ્ટ હતો. આ ASI-સંરક્ષિત સ્મારક પૂજાસ્થળ નથી. નિયમો હેઠળ પૂજા માટે કોઈ કાનૂની જોગવાઈ નથી.’

એના જવાબમાં ભોજન ઉત્સવ સમિતિના સભ્ય અશોકકુમાર જૈને જણાવ્યું હતું કે ‘દિગ્વિજય સિંહના કાર્યકાળ દરમ્યાન પૂજા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. અમે દર મંગળવારે અહીં પૂજા કરતા હતા, પરંતુ દિગ્વિજય સિંહની આગેવાની હેઠળની સરકારે એના પર પ્રતિબંધ મૂક્યો હતો. અમને વસંતપંચમી પર વર્ષમાં ફક્ત એક જ વાર પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે મુસ્લિમોને નમાજ પઢવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.’

આરતી પછી કેન્દ્રીય રાજ્યપ્રધાન સાવિત્રી ઠાકુર ભોજશાલા ગુંબજ પર ધ્વજ ફરકાવવા ગયાં હતાં. જોકે સુરક્ષાનાં કારણોસર ગુંબજની આસપાસ કાંટાળો તાર હોવાથી તેમણે પૂજા કરીને સીડીની ઉપરના ગેટ પર ધ્વજ ફરકાવ્યો હતો.

ભોજશાલાને ભવ્ય સ્વરૂપ અપાશે
બીજી તરફ મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે કહ્યું હતું કે ‘ભોજશાલાના પ્રાચીન ગૌરવને પુનઃ સ્થાપિત કરવામાં આવશે. એનો વધુ વિકાસ કરવામાં આવશે જેથી દેશ અને રાજ્યભરના લોકો અહીં માઁ વાગ્દેવીના આશીર્વાદ મેળવવા માટે આવી શકે.’

national news india madhya pradesh religious places culture news