26 April, 2026 07:22 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ભૂષણ ગવઈની બાગેશ્વર ધામની મુલાકાતના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં હોબાળો મચી ગયો હતો.
ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ભૂષણ ગવઈએ હાલમાં જ સપરિવાર મધ્ય પ્રદેશના છત્તરપુરમાં આવેલા બાગેશ્વર ધામ જઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની મુલાકાત લીધી હતી. વળી એ વખતના તેમના ધીરેન્દ્ર શાસ્ત્રી સાથેના ફોટો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં વિવાદ ફાટી નીકળ્યો છે.
આ મુલાકાત બાદ બાગેશ્વર ધામના ઑફિશ્યલ અકાઉન્ટ પરથી એવો સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો હતો કે જ્યારે ન્યાય, કર્તવ્ય અને શ્રદ્ધા એકસાથે આવે છે ત્યારે સમાજને નવી દિશા મળે છે. એ પછી એ મેસેજ અને એ મુલાકાતના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.
આ ઘટનાક્રમ પછી અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ શ્યામ માનવે તો ત્યાં સુધી કહ્યું હતું કે હવે પછી ભૂષણ ગવઈએ ક્યારેય ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ લેવું નહીં, તેમણે એ અધિકાર ગુમાવી દીધો છે.
અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ શ્યામ માનવે આ બાબતે કહ્યું હતું કે ‘ભૂષણ ગવઈ કહેતા હોય છે કે તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોના સમર્થક છે અને તેમના અનુયાયી છે, પણ તેઓ જો ધીરેન્દ્ર શાસ્ત્રીને પગે પડીને આશીર્વાદ લેતા હોય તો તેમણે હવે પછી ક્યારેય પોતાના મુખે ડૉ. આંબેડકરનું નામ લેવું નહીં. એ અધિકાર તેમણે ગુમાવી દીધો છે.’
બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓએ અને કેટલાક રાજકીય પક્ષોએ પણ આ બાબતે જલદ પ્રતિક્રિયા આપી હતી. સોશ્યલ મીડિયામાં વંચિત બહુજન આઘાડીના મહાસચિવ રાજેન્દ્ર પાતાડેએ લખ્યું હતું કે ‘બાબાસાહેબ જિંદગીભર ભોંદુગીરી અને કર્મકાંડની વિરુદ્ધ લડ્યા અને હવે સર્વોચ્ચ ન્યાયાલયની વ્યક્તિ જ્યારે આ ચમત્કાર કરવાનો દાવો કરનારને શરણે જાય છે ત્યારે સમાજનો સામાન્ય વર્ગ જો અંધશ્રદ્ધાને માર્ગે ચાલે તો કંઈ ખોટું ન કહી શકાય. આ અંધશ્રદ્ધાના ધામની મુલાકાત લેવી એ વૈચારિક દેવાળું કાઢવાનું લક્ષણ છે.’