ભૂતપૂર્વ સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહે બાબા રામદેવની આંદોલન કરવાની ચીમકીની ઉડાવી મજાક

23 August, 2026 08:13 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

બાબા રામદેવે જરૂર આંદોલન કરવું જોઈએ કેમ કે દેશમાં નકલી ઘીનું કલ્ચર બાબાજી જ લાવ્યા છે બસ, આ વખતે સલવાર-સિંદૂર પહેરીને ન ભાગે

કૈસરગંજના ભૂતપૂર્વ સંસદસભ્ય અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ

થોડા દિવસ પહેલાં જ બાબા રામદેવે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારના મામલે સિસ્ટમ સામે ખુલ્લી ચીમકી આપી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સ્કૂલ અને કૉલેજોમાં પૂરતી સુવિધાઓ નથી અને સરકારી નોકરીઓના ઇન્ટરવ્યુમાં ૯૦થી ૯૯ ટકા કૌભાંડ થાય છે. બાબા રામદેવે ચેતવણી આપી હતી કે જો આ બધું નહીં સુધરે તો તેમણે મજબૂર થઈને ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટું આંદોલન કરવું પડશે.    

કૈસરગંજના ભૂતપૂર્વ સંસદસભ્ય અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે બાબા રામદેવની આંદોલન કરવાની ચીમકીની મજાક ઉડાવતાં કહ્યું હતું કે ‘રામદેવમાં આંદોલન કરવાની કોઈ જ ક્ષમતા નથી. બાબા અગાઉ આંદોલન વખતે મેદાનમાંથી સલવાર પહેરીને ભાગી ગયા હતા એ દૃશ્ય કોઈ હજી ભૂલ્યું નથી.’

બ્રિજભૂષણ અને રામદેવ વચ્ચે લાંબા સમયથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ‘સ્વદેશીના નામે શરૂઆત કરનાર બાબા રામદેવ હવે વિદેશી સ્ટાઇલની ચડ્ડીઓ પણ બનાવવા લાગ્યા છે એટલે તેમની વાત પર કોઈ વિશ્વાસ કરતું નથી. બાબાએ આંદોલન કરવું જ જોઈએ કેમ કે નકલી ઘીનું કલ્ચર બાબાજી જ લાવ્યા છે. મહર્ષિ પતંજલિના નામે રામદેવ અબજો રૂપિયાનો વેપાર કરે છે, પરંતુ તેમના જન્મસ્થળ ગોંડાના વિકાસ માટે કંઈ જ કરતા નથી.’ 

national news india ramdev baba ramdev uttar pradesh bhartiya janta party bjp bharatiya janata party