પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી; એઈમ્સમાં દાખલ કરાયા

13 October, 2021 07:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

CNN-News18એ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને એઇમ્સના કાર્ડિયોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડૉ. મનમોહન સિંહ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh)ને તાવ અને નબળાઈની ફરિયાદ સાથે દિલ્હીની એઈમ્સ (AIIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 2004થી 2014 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપનાર મનમોહન સિંહ આ વર્ષે કોરોના વાયરસથી પણ સંક્રમિત થયા હતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને 19 એપ્રિલના રોજ AIIMSના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને 29 એપ્રિલના રોજ એમ્સ ટ્રોમા સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ ૮૯ વર્ષના છે અને ડાયાબિટીસથી પણ પીડિત છે.

ઑલ ઈન્ડિયા કૉંગ્રેસ સમિતિ (AICC)ના સચિવ પ્રણવ ઝાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે “ભૂતપૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહજીના સ્વાસ્થ્યને લઈને કેટલીક અસંગત અફવાઓ છે. તેમની સ્થિતિ સ્થિર છે. તેમની નિયમિત સારવાર ચાલી રહી છે. અમે જરૂર પડ્યે કોઈપણ અપડેટ શેર કરીશું. અમે મિત્રોનો તેમની ચિંતા બદલ આભાર માનીએ છીએ.”

જોકે, CNN-News18એ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને એઇમ્સના કાર્ડિયોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે બે બાયપાસ સર્જરી કરાવી છે. તેમની પ્રથમ સર્જરી 1990માં યુનાઇટેડ કિંગડમમાં કરવામાં આવી હતી અને બીજી બાયપાસ સર્જરી 2009માં AIIMSમાં કરવામાં આવી હતી. તાવના કારણે તેમને ગયા વર્ષે મે મહિનામાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

national news manmohan singh congress all india institute of medical sciences