અલીગઢમાં મંદિરો પર I  MUHMAD હિન્દુઓએ જ લખ્યું હતું, સ્પેલિંગ ખોટો હતો એટલે ચાર જણ પકડાઈ ગયા

02 November, 2025 12:19 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

જેમની સાથે મિલકતનો વિવાદ ચાલી રહ્યો છે એવા મુસ્લિમોને ફસાવવાનું કાવતરું

પકડાયેલા આરોપીઓ અને I MUHMADનો ખોટો સ્પેલિંગ

ઉત્તર પ્રદેશમાં આગરા પોલીસે ગુરુવારે અલીગઢ જિલ્લાના લોઢા વિસ્તારમાં ૪ મંદિરોની દીવાલો પર ‘I  MUHMAD’ લખીને શહેરમાં કોમી તંગદિલી ફેલાવવાના કેસમાં ૪ હિન્દુ પુરુષોની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓનો હેતુ મુસ્લિમ સમુદાયના સભ્યોને ફસાવવાનો હતો, જેમની સાથે તેમને મિલકતનો વિવાદ હતો એમ પોલીસ-તપાસમાં ખુલાસો થયો છે.

આ મુદ્દે અલીગઢના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ નીરજકુમાર જદૌને અલીગઢમાં એક પત્રકાર-પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ‘લખાણમાં મોહમ્મદના સ્પેલિંગમાં મિસ્ટેક, CCTV (ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન) કૅમેરાનાં ફુટેજ, ગ્રામજનો સાથે ચર્ચા, કૉલ ડીટેલ રેકૉર્ડ્સ અને કોર્ટમાં ચાલી રહેલા કેસોના રેકૉર્ડથી પોલીસને ગુનેગારોને પકડવામાં મદદ મળી હતી. આરોપીઓ પોતાના સ્વાર્થ માટે સાંપ્રદાયિક લાગણીઓ ઉશ્કેરવા અને કેસોનો ઉકેલ લાવવા માટે ખરાબ ઇરાદો ધરાવતા હતા. પોલીસમાં વિશ્વાસ રાખવા અને શાંત રહેવા બદલ અમે અલીગઢના રહેવાસીઓના આભારી છીએ. આ મામલો બે મિલકતવિવાદો સાથે જોડાયેલો છે.’ 

national news india uttar pradesh hinduism aligarh