23 December, 2025 08:26 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ભારત-ન્યુ ઝીલૅન્ડ ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (FTA)ના સફળ સમાપનની જાહેરાત થઇ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને ઐતિહાસિક ભારત-ન્યુ ઝીલૅન્ડ ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (FTA)ના સફળ સમાપનની જાહેરાત કરી હતી. સોમવારે બન્ને નેતાઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત થયા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ કરાર હેઠળ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવામાં મદદ કરશે.
આ કરાર ન્યુ ઝીલૅન્ડની ભારતમાં થતી ૯૫ ટકા નિકાસ પરના ટૅરિફને દૂર કરશે અથવા ઘટાડશે. કરારના પહેલા દિવસે અડધાથી વધુ ઉત્પાદનો ડ્યુટી-ફ્રી હશે, જ્યારે તમામ ભારતીય માલને ન્યુ ઝીલૅન્ડમાં ડ્યુટી-ફ્રી ઍક્સેસ હશે. ન્યુ ઝીલૅન્ડ આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૨૦ અબજ ડૉલરનું રોકાણ કરવા માટે પણ સંમત થયું છે.
શું બાકાત?
ભારત સરકારે જણાવ્યું હતું કે આ કરારમાં ડેરી, કૉફી, દૂધ, ક્રીમ, ચીઝ, દહીં, છાશ, ડુંગળી, ખાંડ, મસાલા, ખાદ્ય તેલ અને રબરના બજાર ઍક્સેસને બાકાત રાખવામાં આવ્યું હતું, જેથી એના ખેડૂતો અને સ્થાનિક ઉદ્યોગનું રક્ષણ થાય.
અમેરિકાને સંદેશ: તૂ નહીં ઔર સહી
વૉશિંગ્ટને અમેરિકન બજારોમાં પ્રવેશતા ભારતીય માલ પર ૫૦ ટકા ટૅરિફ લાદ્યા બાદ ભારત એની નિકાસને વૈવિધ્ય બનાવવા માટે ભાગીદાર દેશો સાથે વાટાઘાટો ઝડપી બનાવી રહ્યું છે. મે મહિનામાં યુનાઇટેડ કિંગડમ સાથે ફ્રી ટ્રેડ અૅગ્રીમેન્ટ થયા પછી ભારતે ગુરુવારે ઓમાન સાથે આર્થિક ભાગીદારી કરાર કર્યો હતો. હવે ન્યુ ઝીલૅન્ડ સાથેનો વેપારકરાર આ વર્ષે ત્રીજો છે.