આવતી કાલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં PAN, ક્રેડિટ કાર્ડ, LPG, ટૅક્સ, HRA અને પગારમાં ઘણા ફેરફારો આવશે

31 March, 2026 07:04 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નવા PAN કાર્ડ માટે માત્ર આધાર નહીં ચાલે, ડિજિટલ પેમેન્ટ માટે હવે ટૂ-ફૅક્ટર ઑથેન્ટિફિકેશન જરૂરી

પ્રતીકાત્મક તસવીર

કર્મચારીનો બેસિક પગાર તેના CTCના ઓછામાં ઓછા ૫૦ ટકા રાખવો પડશે, PF અને ગ્રૅચ્યુઇટી યોગદાનમાં વધારો થશે, પણ માસિક ટેક-હોમમાં ઘટાડો થઈ શકે છે

દેશમાં આવતી કાલે પહેલી એપ્રિલથી શરૂ થનારું નવું નાણાકીય વર્ષ ફક્ત કૅલૅન્ડરમાં જ નહીં પણ લોકોના નાણાકીય અને બૅન્કિંગ આદતમાં પણ નોંધપાત્ર ફેરફારો લાવશે. આ વખતે સરકાર અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) ઘણા નિયમો લાગુ કરી રહી છે જે સૅલેરી-સ્લિપથી લઈને તમારા કિચનના બજેટ સુધીની દરેક વસ્તુ પર સીધી અસર કરશે. 

પગાર અને ટૅક્સમાં ફેરફાર

સૌથી મોટો ફેરફાર ‘નવા આવકવેરા કાયદા ૨૦૨૫’ના રૂપમાં આવી રહ્યો છે જે દાયકાઓ જૂના ૧૯૬૧ના કાયદાને બદલશે. નવા લેબર-કોડ હેઠળ કંપનીઓએ હવે કર્મચારીનો મૂળ પગાર તેના કુલ CTC (કૉસ્ટ ટુ કંપની)ના ઓછામાં ઓછા ૫૦ ટકા રાખવો પડશે. આનો અર્થ એ છે કે પ્રોવિડન્ટ ફન્ડ (PF) અને ગ્રૅચ્યુઇટી-યોગદાનમાં વધારો થશે. આનાથી રિટાયરમેન્ટ બચતમાં વધારો થશે, જ્યારે માસિક ટેક-હોમ પગારમાં ઘટાડો થઈ શકે છે. જૂની ટૅક્સ-પ્રણાલી હેઠળના લોકો માટે હાઉસ રેન્ટ અલાવન્સ (HRA) મુક્તિ માટેના નિયમો વધુ કડક બન્યા છે. હવે જો તમે વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવો છો તો તમારે નવા ફૉર્મ ૧૨૪માં મકાનમાલિકનું PAN કાર્ડ અને તેઓ તમારા સંબંધી છે કે નહીં એની જાણકારી આપવી પડશે.

બૅન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ્સ
ટૂ-ફૅક્ટર ઑથેન્ટિકેશન: હવે ઑનલાઇન પેમેન્ટ માટે ફક્ત વન-ટાઇમ પાસવર્ડ (OTP) પૂરતો રહેશે નહીં. સુરક્ષાનું બીજું સ્તર જેમ કે PIN, બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ) અથવા ડિવાઇસ વેરિફિકેશન ફરજિયાત રહેશે.

ATM ટ્રાન્ઝૅક્શન ચાર્જ: યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)નો ઉપયોગ કરીને ઑટોમેટેડ ટેલર મશીન (ATM)માંથી ઉપાડવામાં આવેલી રોકડ પણ તમારી મફત વ્યવહાર લિમિટમાં ગણાશે. લિમિટ પૂરી થયા બાદ દર વખતે આશરે ૨૩ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવી શકે છે.

PNB કૅશ લિમિટ: પંજાબ નૅશનલ બૅન્કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને દૈનિક રોકડ ઉપાડમર્યાદા ૫૦,૦૦૦થી વધારીને ૭૫,૦૦૦ રૂપિયા કરી છે.

PAN અને ક્રેડિટ કાર્ડ

PAN કાર્ડ માટે સખત નિયમો: નવું પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN) કાર્ડ મેળવવા અથવા સુધારા કરવા માટે હવે ફક્ત આધાર કાર્ડ પૂરતું રહેશે નહીં; વધારાના સપોર્ટિંગ દસ્તાવેજો આપવાના ફરજિયાત રહેશે.

ક્રેડિટ કાર્ડ-ટૅક્સ : હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને આવકવેરા ચૂકવી શકાશે. જોકે એના માટે વધારાની પ્રોસેસિંગ ફી લાગુ થઈ શકે છે.
મોટા ખર્ચની જાણ કરવી : એક વર્ષમાં ૧૦ લાખ રૂપિયાથી વધુનું કોઈ પણ ક્રેડિટ કાર્ડ-બિલ અથવા એક લાખ રૂપિયાથી વધુની રોકડ-ચુકવણીની જાણ સીધી આવકવેરા વિભાગને કરવામાં આવશે.

કૉર્પોરેટ કાર્ડ્સ : જો કોઈ કંપનીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વ્યક્તિગત હેતુ માટે કરવામાં આવશે તો એને બેનિફિટ ગણવામાં આવશે અને એના પર ટૅક્સ વસૂલવામાં આવશે.
પેટ્રોલ, ડીઝલ અને LPG

LPGના ભાવ : દર મહિનાની પહેલી તારીખની જેમ ડોમેસ્ટિક અને કમર્શિયલ ગૅસ-સિલિન્ડરના ભાવની એક એપ્રિલે સમીક્ષા કરવામાં આવશે.

૨૦ ટકા એથનૉલ પેટ્રોલ (E20) : દેશભરમાં પેટ્રોલમાં ૨૦ ટકા એથનૉલ ભેળવવું ફરજિયાત રહેશે. આનાથી પ્રદૂષણ ઘટશે, પરંતુ જૂનાં વાહનોમાં ઈંધણના માઇલેજમાં ત્રણથી ૭ ટકા ઘટાડો થઈ શકે છે. 

national news india indian government Aadhaar property tax income tax department goods and services tax finance news finance ministry