શું આ ગાંધી બાપુ છે?

31 October, 2025 10:02 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

કેરલામાં તાજેતરમાં ખુલ્લી મુકાયેલી બાપુની અજીબોગરીબ મૂર્તિ જોઈને લોકો આઘાત અને આશ્ચર્યથી પૂછી રહ્યા છે...

ખૂબ વિચિત્ર લાગતી બાપુની મૂર્તિ

કેરલામાં મહાત્મા ગાંધીની એક મૂર્તિએ ભારે ચર્ચા જગાવી છે. સ્થાનિક લોકોએ ફરિયાદ કરી છે કે ખૂબ વિચિત્ર લાગતી બાપુની મૂર્તિ તો દેશની આઝાદી માટે લડનારી સૌથી આદરણીય વ્યક્તિ જેવી દેખાતી જ નથી.

ગયા રવિવારે કેરલાના થ્રિસૂર જિલ્લામાં આવેલી ગુરુવાયુર મ્યુનિસિપાલિટીના બાયો પાર્કમાં બાપુની આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમામાં બાપુના ટ્રેડમાર્ક ચશ્માં અને ચાલવાની લાકડી સિવાય બીજી કોઈ જ બાબત ગાંધીજી જેવી ન દેખાતાં લોકો મૂંઝવણમાં મુકાયા હતા. એટલું જ નહીં, સોશ્યલ મીડિયા પર મૂર્તિનો ફોટો વાઇરલ થતાં ઑનલાઇન પણ લોકોએ ખૂબ ટીકા કરી હતી.

અહેવાલો પ્રમાણે મ્યુનિસિપાલિટીના અધિકારી અને પ્રતિમાના આર્ટિસ્ટે આ સ્ટૅચ્યુની વિચિત્રતાનો એમ કહીને બચાવ કર્યો હતો કે આ પ્રતિમા તૈયાર કરવા માટે ગાંધીજીના વિચારોનો સહારો લેવામાં આવ્યો હતો. ઉપરાંત આખું સ્ટૅચ્યુ ઍબ્સ્ટ્રૅક્ટ ફૉર્મમાં છે. જોકે કૉન્ગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ આ બાબતનો વિરોધ કર્યો હતો અને કલેક્ટર પાસે એવી માગણી કરી હતી કે ગાંધીજીનું અપમાન કરવા માટે મ્યુનિસિપાલિટી સામે કડક કાર્યવાહી કરવામાં આવે.   

national news india kerala mahatma gandhi congress