29 September, 2026 10:37 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે હૃષીકેશ પાસે ગંગાનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું હતું.
ઉત્તરાખંડના હૃષીકેશમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગંગા નદીમાં રિવર-રાફ્ટિંગ પર અચોક્કસ મુદત સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. રવિવારે ગંગા નદીનું જળસ્તર ૩૩૯.૫૦ મીટર નોંધાયું હતું. હવામાનમાં સુધારો થશે અને જળસ્તર સુરક્ષિત સપાટીએ પહોંચશે ત્યાર બાદ જ આ ઍડ્વેન્ચર ઍક્ટિવિટી ફરી શરૂ કરવામાં આવશે. સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) અને જળ પોલીસે ગંગા ઘાટ પર અનાઉન્સમેન્ટ કરીને લોકોને નદીથી દૂર રહેવાની કડક ચેતવણી આપી હતી.
ટિહરી ગઢવાલના પ્રવાસન અધિકારી સોબત સિંહ રાણાએ કહ્યું હતું કે ‘તમામ રાફ્ટિંગ ઑપરેટર્સ અને અસોસિએશનને આ આદેશનું કડક પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. લક્ષ્મણ ઝૂલા, મુનિ કી રેતી અને તપોવન વિસ્તારમાં સ્થાનિકો તથા પ્રવાસીઓને નદીકિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે.’
ચોમાસાના લાંબા વિરામ બાદ હજી ૨૩ સપ્ટેમ્બરે જ ૩૦ કિલોમીટર સુધીના ટ્રૅક પર રાફ્ટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક હવામાન પલટાતાં ડઝનબંધ બુકિંગ કૅન્સલ થયાં હતાં અને પ્રવાસીઓ નિરાશ થઈને હોટેલ ખાલી કરી રહ્યા છે.
ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં ભારે બરફવર્ષા થવાને કારણે લગભગ ૧૩૦ જેટલા પર્વતારોહકો ફસાઈ ગયા હતા. ૮ હેલિકૉપ્ટરોએ ૪૦ પર્વતારોહકોને ઍરલિફ્ટ કર્યા હતા, જ્યારે અન્ય પર્વતારોહકો
આ પરિસ્થિતિમાં પણ આગળ પર્વતારોહણ કરવા નીકળી ગયા હતા.