26 July, 2026 08:59 AM IST | Mumbai | Ruchita Shah
મુંબઈમાં સરકારવિરોધી આંદોલનમાં જોવા મળેલો જેન-ઝીનો મિજાજ. તસવીર : અતુલ કાંબળે
તમને સવાલ થશે કે પોલીસની લાઠીથી બચવા રાષ્ટ્રગાન ગાવા માંડતી કે વડા પ્રધાનપદની ગરિમા ભૂલીને મા-બહેનની ગાળો આપવા માંડતી આ પેઢીની ડિક્શનરીમાં ડર નામનો શબ્દ છે કે નહીં? તરત જ ઇમોશનલ થઈ જતી કે મેન્ટલ હેલ્થના નામે લેક્ચર આપી શકતી આ પેઢીએ પોતાનો સાવ અલગ શબ્દકોશ તૈયાર કરી દીધો છે જે તેમના પહેલાંની પેઢીઓ માટે સમજની બહારનો છે. એક તરફ ડિજિટલ સ્પેસમાં હથોટીને કારણે સુપરસ્માર્ટ અને બીજી તરફ એકાગ્રતાના અભાવને કારણે સુપરડમ્બ એવી આ પેઢીને જેટલી વધારે સમજવાનો પ્રયાસ કરીશું એટલા ગૂંચવાતા જઈશું. ચાલો, ટ્રાય તો કરી જોઈએ
NEET-UG પેપર-લીકમાં શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મેળવવામાં જેન-ઝી પ્રોટેસ્ટને સફળતા મળી ગઈ છે. જોકે એ પછીયે એ માનવું રહ્યું કે આ આખા પ્રોટેસ્ટમાં જેન-ઝીનો અનોખો અંદાજ તેમના માટે જિજ્ઞાસા જગાવી ગયો છે ત્યારે તેમના વિશે જેટલું જાણશો એટલું લાગશે કે... યે દિલ ઔર દિમાગ મેં તો આતે હૈં પર સમઝ મેં નહીં
પોલીસનો એક જવાન હાથમાં લાઠી લઈને ભીડ તરફ આગળ વધે છે. પહેલાંના સમયમાં આવી સ્થિતિમાં નાસભાગ મચી જતી, પરંતુ અહીં ચિત્ર કંઈક અલગ જ છે. સામે ઊભેલી ભીડ અચાનક રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કરી દે છે. કારણ? કારણ કે રાષ્ટ્રગીત ચાલતું હોય ત્યારે કોઈ તમારા પર લાઠીચાર્જ કરી શકે નહીં.
બીજું દૃશ્ય. વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસ વૉટર-કૅનન ચલાવે છે. ભીડ વિખેરાઈ જવાને બદલે ત્યાં જ રેઇનડાન્સ કરવા લાગે છે. કેટલાક વળી ઇટલીનાં પ્રાઇમ મિનિસ્ટર મેલોનીના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર જઈને ‘અમારા PMને સમજાવોને’ અથવા ‘તે સારો છોકરો નથી, બ્રેકઅપ કરી નાખ’ જેવી ભલામણ કરતા મેસેજ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની ઇજ્જતને દાવ પર મૂકે છે.
એક અન્ય દૃશ્યમાં ટ્રૅક પૅન્ટ્સ, સ્લાઇડ્સ અને હૂડી પહેરેલી એક યુવતી પોલીસ-વૅનની સામે એક હાથ રાખીને એવી રીતે ઊભી રહી જાય છે જાણે હૉલીવુડની ફિલ્મનો કોઈ સીન હોય.
કેટલાક વળી પોલીસવાળાઓને પોલીસ અંકલ, પોલીસ અંકલ કહીને તેમની ઠેકડી ઉડાડતા, તેમની સામે ચેનચાળાવાળી રીલ બનાવતા દેખાય છે તો કોઈ વળી પોલીસને જાણીજોઈને અભદ્ર શબ્દો બોલીને ઉશ્કેરવાની કોશિશ કરતા વિડિયોમાં દેખાય છે.
કોઈ વળી પ્રોટેસ્ટ-સાઇટ પર તંબુ તાણીને અંદર સૂતાં-સૂતાં રીલ જોતો દેખાય છે તો કોઈ વળી લાઠીચાર્જ સામે ફની ગીત સાથે દોડતો-દોડતો વિડિયો બનાવતો દેખાય છે.
આમાં સૌથી વધુ ચોંકાવનારા વિડિયો પણ જોવા મળ્યા જેમાં બહુ જ ગંદા અને બીભત્સ કક્ષાના નારાઓ સાથે વડા પ્રધાન માટે આ કહેવાતા જેન-ઝી દ્વારા બોલાયેલા અપશબ્દો, ફની બનાવવાના નામે નીચતાની ચરમસીમા દેખાડતા મીમ્સ લોકોનું ધ્યાન ખેંચવા અને લાઇક્સ મેળવવાના પેંતરા તરીકે દેખાયા જે બદલ લોકોએ આ પેઢીના આ નમૂનાઓ માટે ધિક્કાર પણ વ્યક્ત કર્યો.
કોઈક વિડિયોમાં જેન-ઝીને પોતે કયા પ્રોટેસ્ટમાં શું કામ આવ્યા છે એ ખબર નહોતી તો કોઈકને પોતે શું ભણે છે એવું પૂછતાં હવા નીકળી ગઈ હોવાનું દેખાઈ રહ્યું હોય એવા વિડિયો પણ હતા. ક્યાંક પોતે તો અહીં ફ્રીમાં પીત્ઝા મળી રહ્યા છે એટલે આવ્યા એવું પ્રામાણિકતા સાથે કબૂલ કરતા જેન-ઝીના વિડિયો પણ જોવા મળ્યા.
ડૉ. હરીશ શેટ્ટી, સાઇકિયાટ્રિસ્ટ
lll
છેલ્લાં થોડાંક અઠવાડિયાંઓમાં એટલું તો નિશ્ચિત થઈ ગયું છે કે દિલ્હીના જંતરમંતરથી લઈને દેશનાં કેટલાંય રાજ્યોમાં રસ્તાઓ પર નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UT) પેપર-લીકના વિરોધમાં ઊઠેલો અવાજ જેન-ઝી આંદોલનમાં ફેરવાઈ ગયો છે જેની કલ્પના સિસ્ટમને પણ નહોતી અને એ જ કારણ છે કે મોડા-મોડા પણ વડા પ્રધાને જેન-ઝી સાથે તેમની જ સ્ટાઇલ સાથે જોડાવાની દિશામાં સક્રિય થવું પડ્યું છે. જે પેઢીને માત્ર ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને સ્નૅપચૅટ ફિલ્ટર્સ પૂરતી સીમિત માની હતી એ પોતાની ભાષામાં, પોતાના સ્માર્ટફોન અને મીમ્સના હથિયારથી સત્તાને સવાલ કરી રહી છે. જેને આપણે આખો દિવસ ફોનમાં માથું ઘાલીને બેસી રહેવા બદલ મહેણાં મારતા હતા તે કોઈ સાધારણ આંદોલનકારીઓ નથી એ તેમણે છેલ્લાં થોડાંક અઠવાડિયાંઓમાં સાબિત કરી દેખાડ્યું છે. તેઓ આંદોલન દરમ્યાન અગવડની વચ્ચે પણ આખી પ્રોસેસને મોજથી માણતાં-માણતાં તમને હસાવી શકશે, રડાવી શકશે અને ગુસ્સો પણ અપાવડાવી શકશે. આ આખી પ્રોટેસ્ટમાં જેન-ઝીના કૅરૅક્ટરિસ્ટિક્સની જુદી-જુદી ફ્લેવર્સ જોવા મળી. સમાજ જેન-ઝીની બાબતમાં બે ભાગમાં વહેંચાઈ ગયો હોય એવું જ્યારે દેખાઈ રહ્યું છે ત્યારે આ પેઢી કેવી છે? શું છે અને જે છે તો એવી કેમ છે? શું તેમને દિશા આપવાની જરૂર છે? જેવા ઘણા પ્રશ્નોના લોકો જિજ્ઞાસા સાથે જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જવાબ શોધવા જરૂરી પણ છે, કારણ કે દેશની વસ્તીનો લગભગ પચ્ચીસ ટકા હિસ્સો ધરાવતી આ પેઢી દેશનું ભવિષ્ય છે. આ વિષય પર જેન-ઝી, તેમના પેરન્ટ્સ અને તેમની સાથે કામ કરનારા, તેમની સાથે ઇન્ટરૅક્ટ કરનારા લોકો સાથે વાત કરીએ.
ભરત જૈન, બિઝનેસમૅન, ઇન્ફ્લુઅન્સર અને ઑથર
સોશ્યલ બટરફ્લાય
આ એ પેઢી છે જેણે જન્મતાંની સાથે જ ઇન્ટરનેટ અને સ્માર્ટફોન જોયાં છે. તેમના માટે સોશ્યલ મીડિયા માત્ર મનોરંજન નથી પણ પોતાનો અવાજ રજૂ કરવાનું સૌથી મોટું પ્લૅટફૉર્મ છે. સોશ્યલ ઑન્ટ્રપ્રનર, કન્ટેન્ટ ક્રીએટર, ઑથર, લેક્ચરર અને ૧૫ વર્ષ પહેલાં દેશના સૌથી મોટા ઑફલાઇન યુવા મંચ પૈકીના એક એવા ઇન્ડિયાઝ ઇન્ટરનૅશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટ નેશન્સ (IIMUN)ની સ્થાપના કરનારા અને Young, Wired & not Woke નામનું જેન-ઝી પર વાત કરતું પુસ્તક લખનારા રિષભ શાહ અત્યાર સુધીમાં હજારો જેન-ઝી સાથે વિવિધ પ્રોજેક્ટ પર કામ કરી ચૂક્યા છે. પોતાના અનુભવના આધારે આ પેઢીની વિશેષતાઓ વર્ણવતાં રિષભ કહે છે, ‘આ એ પેઢી છે જે જન્મી ત્યારથી જ ઇન્ટરનેટ અને ડિજિટલ રેવલ્યુશન જોઈ રહી છે. જે સ્માર્ટફોનને વડીલો તેમની નબળાઈ કે સમયનો બગાડ માનતા હતા એ જ સ્માર્ટફોન આજના જેન-ઝીની સ્ટ્રેન્ગ્થ પણ છે અને વીકનેસ પણ. તેઓ એકદમ સુપરકનેક્ટેડ અને ટેક-સૅવી છે પણ સાથે-સાથે અંદરથી અત્યંત લોનલી અને કન્ફ્યુઝ્ડ પણ છે. આ જનરેશન દિવસ-રાત ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાથી કમ્પ્લીટ્લી વાયર્ડ રહે છે જેને કારણે માહિતીનો મારો તો બહુ છે, પણ ફૅક્ટ અને ફિક્શન વચ્ચે ફેર પાડવો તેમના માટે રિયલ સ્ટ્રગલ છે. તેમને ભોળવવા, દિશાહીન કરવા અને માર્ગ ભુલાવી દેવા સરળ છે. બીજું, તેમની પાસે સમય જ સમય છે કારણ કે દરેક કામને શૉર્ટકટ સાથે ઝડપથી પૂરું કરવાનાં ટેક્નૉલૉજિકલ હૅક તેમને આવડે છે. શૉર્ટ ટર્મ અટેન્શન સ્પૅન, મીમકલ્ચર, ટ્રેન્ડ-ડ્રિવન અૅક્ટિવિઝમના પ્રેશરમાં તેઓ જીવી રહ્યા છે. પરંતુ હા, જો તમે પ્રોટેસ્ટના સંદર્ભમાં પૂછો તો કહીશ કે તેમને રાજકીય પક્ષ કે પૉલિટિક્સ સાથે કોઈ લેવાદેવા નથી. જુઓ, આ આંદોલન જેન-ઝીના સપોર્ટથી શરૂ થયું. એ પછી એમાં પૉલિટિકલ પાર્ટીઓ આવવા માંડી એટલે જેન-ઝી પાછા હટ્યા, પણ જ્યારે ફરી પોલીસ દ્વારા લાઠીચાર્જનાં દૃશ્યો જોયાં ત્યારે તેઓ ફરી રસ્તા પર આવ્યા. આ એવી પેઢી છે જે નીડર થઈને નિષ્પક્ષ જવાબ માગશે. તમે તેમને ધમકાવીને કે ડરાવીને ચૂપ નહીં કરી શકો. જેમ ઘરમાં મમ્મી-પપ્પા વાત ન માને અને બાળક ગુસ્સામાં બેડરૂમનો દરવાજો પછાડે એવું અત્યારે થઈ રહ્યું છે. દેશનાં માબાપ પાસે બાળકો જવાબ માગે છે. જવાબ નહોતો મળતો એટલે આક્રમક બન્યા. હું આંદોલનના પક્ષમાં કે સરકારના પક્ષમાં નથી; પરંતુ હા, શિક્ષાનીતિમાં રિફૉર્મની જરૂર છે એ વાતના પક્ષમાં તો છું જ. સરકારે થોડીક ઉતાવળ દેખાડી હોત તો કદાચ અત્યારની સ્થિતિ જુદી હોત.’
જેન-ઝીની બીજી એક મહત્ત્વની ક્વૉલિટી આંદોલન થકી ઊભરીને આવી કે તેઓ હંમેશાં જૂથમાં ફરે છે. એકસરખાં કપડાં પહેરવાં, એક જ જોક પર હસવું, એક જ ટાઇપની રીલ્સ જોવી જેને આપણે અત્યાર સુધી બૅન્ડબાજા કહીને મજાક ઉડાવતા હતા એ જ આ આંદોલનની રણનીતિ બની ગઈ. તેમણે શક્તિશાળી સત્તાપક્ષનો સામનો ગુસ્સાથી નહીં પરંતુ હ્યુમર એટલે કે રમૂજ અને વિટ એટલે કે બુદ્ધિચાતુર્યથી કર્યો. આ પેઢીએ સાબિત કર્યું કે સત્તાને ડરાવવાની જરૂર નથી કે ડરવાની પણ જરૂર નથી, માત્ર એની અવગણના કરીને એને લાચાર બનાવી શકાય છે. આંદોલને ભલે કોઈ એક ચોક્કસ નેતા ન આપ્યો હોય, પરંતુ આ પેઢીએ સિસ્ટમને એ વિચારવા મજબૂર કરી દીધી કે હવે જૂની પદ્ધતિઓથી કામ નહીં ચાલે. ભાષણોની સ્ટાઇલથી લઈને સોશ્યલ મીડિયા પર મધરાતે રીલ્સ મૂકવા સુધીના જે બદલાવો આવ્યા છે એ આ જ ‘લૉસ્ટ જનરેશન’ કહીને વખોડાયેલી પેઢીની દેન છે. જેન-ઝીએ બતાવી દીધું છે કે તેઓ કદાચ સિસ્ટમનો હિસ્સો ન હોય, પરંતુ સિસ્ટમને ક્યારે અને કેવી રીતે હલાવવી એ તેઓ બખૂબી જાણે છે.
બધા જેન-ઝી અલગ
સોશ્યલ મીડિયા પર એવું નૅરેટિવ બનાવવામાં આવે છે કે દેશની આખી યુવા પેઢી એક જ દિશામાં વિચારે છે, પણ વાસ્તવિકતા અલગ છે. જેન-ઝીમાં વૈવિધ્ય છે એમ જણાવીને વિખ્યાત સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘એક તરફ એવા યુવાનો છે જેઓ સોશ્યલ મીડિયા પર આક્રોશ ફેલાવે છે તો બીજી બાજુ એવા પણ જેન-ઝી છે જેઓ નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની તૈયારીમાં લાગીને ફરી એક્ઝામ આપીને પોતાના ધ્યેયને વળગીને રહે છે. ફરી કહીશ કે આ પ્રકારના પ્રોટેસ્ટમાં ઇન્સ્પિરેશન અને ઍસ્પિરેશન વિનાનું યુથ જ વધુ આકર્ષાય છે. મને યાદ છે કે હું રાજીવ ગાંધી મેડિકલ કૉલેજમાં લેક્ચર માટે ગયો ત્યારે ત્યાંના સ્ટુડન્ટ્સ પગે લાગતા હતા, જ્યારે બીજી એક કૉલેજમાં દેશની મહાન વ્યક્તિઓની વાત કરી ત્યારે તેમના મોઢે ‘વૉટ ધ ફ...’ જેવા શબ્દો હતા. તમે જુઓ કે NEETનો ટૉપર સન્માનિત થયો ત્યારે સ્ટેજ પરથી તેણે શિવતાંડવ સ્તોત્ર ગાયું હતું. મિઝોરમમાં જેન-ઝી યુવાનોએ જ્યારે વિરોધ કર્યો ત્યારે શાંતિપૂર્ણ અને રચનાત્મક શૈલીને અકબંધ રાખી અને એકેય બહારના લોકોને પ્રવેશ જ ન આપ્યો. એટલે બધાને એક ત્રાજવે તોલી શકાય એમ નથી.’
શોધી રહી છે પોતાનો અવાજ
આ પેઢી ઇમોશનલી વીક નહીં પણ અવેર છે એમ જણાવીને બિઝનેસમૅન, ઇન્ફ્લુઅન્સર અને ‘જેન-ઝી : એક અધૂરી સી કિતાબ’ના લેખક ભરત જૈન કહે છે, ‘આ એ જનરેશન છે જે પરિવારને ખૂબ પ્રેમ કરે છે પરંતુ પોતાના જ ઘરમાં સૌથી વધુ મિસઅન્ડરસ્ટુડ છે. પેરન્ટ્સને વિચાર આવતો હોય છે કે આખો દિવસ આ તો ફોનમાં જ લાગેલો છે, પરંતુ એ જ ફોન દુનિયાની ભીડથી બચવાનો તેમના માટે સૌથી સેફ રસ્તો હોય છે. તેમને દર વખતે ઍડ્વાઇઝ નથી જોઈતી, પણ ક્યારેક કોઈ પ્રેમથી પૂછી લે કે તું ઠીક છેને? બસ, એટલું જ તેમના માટે પૂરતું હોય છે. આ પેઢી પર કરીઅરનું, કમ્પૅરિઝનનું, સફળ દેખાવાનું અને સૌથી વધારે પોતાને પ્રૂવ કરવાનું પ્રેશર છે. આ જનરેશન કમજોર નથી. એ પોતાની લડાઈ ઓપનલી લડે છે. આ પેઢી ડિપ્રેશનને નામ આપે છે, ટ્રૉમાને સમજે છે અને ઍન્ગ્ઝાયટીને ઍક્નોલેજ કરે છે. આ વીક નથી પણ અવેર છે. હા, તેઓ જલદી હર્ટ થાય છે, ઓવરથિન્ક કરે છે, તેમને ટ્રસ્ટ-ઇશ્યુઝ છે; પણ એ યાદ રાખજો કે આ જનરેશન ઇમોશનલી વીક નથી, ઇમોશનલી અવેર છે. એ યાદ રાખજો કે આ જનરેશન પ્રેમ કરશે તો ખૂબ ડીપલી કરશે, ભરોસો કરશે તો પૂરી પ્રામાણિકતા સાથે કરશે અને જો તૂટશે તો પૂરા અંદર સુધી તૂટશે. આ પેઢી દુનિયાને શીખવશે કે સક્સેસ અને મેન્ટલ પીસ બન્ને સાથે રહી શકે છે. આ લોકો પર્ફેક્ટ નથી પણ રિયલ છે અને આ ફેક દુનિયામાં રિયલ હોવું એ પોતાનામાં એક સુપરપાવર છે. આ જેન-ઝી છે. તેમને જજ ન કરો, એમને સાંભળો. તેમને કન્ટ્રોલ ન કરો, તેમને સમજો. આ લોસ્ટ જનરેશન નથી પણ પોતાનો અવાજ શોધી રહેલી જનરેશન છે. સરકારની સૌથી પહેલી ભૂલ એ થઈ કે એ લોકોએ જેન ઝીને બહુ લાઇટ્લી લઈ લીધા. તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ ફેક નથી, રિયલ છે. કંઈક નવું વિચારે છે અને નવું કરવાથી ડરતા નથી. લોકો શું કહેશે એની તેમને પડી નથી. તેઓ પોતે ખુશ રહેવામાં માને છે. પ્રોટેસ્ટમાં તેમની સૌથી સારી ક્વૉલિટી એ હતી કે કંઈ પણ ખોટું થઈ રહ્યું હોય તો એકબીજાનો સપોર્ટ કરવા માટે આગળ આવી ગયા. તેઓ યુનાઇટેડ છે, એકબીજાનો સપોર્ટ કરવામાં માને છે.’
દેવાંગ શાહ, જેન-ઝી પેરન્ટ
આ મર્યાદાઓ પણ છે
એક તરફ જ્યાં આ પેઢીની લાક્ષણિકતાઓની ચર્ચા થઈ રહી છે ત્યારે એની મર્યાદાઓને પણ યાદ રાખવી જોઈએ. ભરતભાઈ કહે છે, ‘જેન-ઝીમાં કન્સિસ્ટન્સી નથી. તેઓ બહુ જલદી સ્વિચ થાય છે - બિઝનેસમાં કે વિચારોમાં. લાંબા સમય સુધી કન્સિસ્ટન્ટ રહેવું બહુ જરૂરી હોય છે. તેઓ બહુ જલદી રીઍક્ટ કરે છે અને ઇમ્પલ્સિવ છે. પંદર-વીસ વર્ષની ઉંમરે ઘણું અચીવ કર્યું છે પણ ટાઇમ- મૅનેજમેન્ટમાં નબળા છે. સોશ્યલ મીડિયા પર કેટલો સમય આપવો, ગ્રોથ અને ફ્રેન્ડ્સ વચ્ચે બૅલૅન્સ કેમ રાખવું એમાં તેઓ કાચા પડે છે.’
આ જ દિશામાં મીઠીબાઈ કૉલેજનાં પ્રિન્સિપાલ કૃતિકા દેસાઈ કહે છે, ‘૩૬ વર્ષથી એજ્યુકેશન સાથે સંકળાયેલી છું. સતત આ જ એજ-ગ્રુપ સાથે સમય વિતાવ્યો છે અને હું કહીશ કે યસ, અત્યાર સુધીમાં સૌથી વધુ ડાયનૅમિક પેઢી જો કોઈ હોય તો એ આ પેઢી મને લાગી છે. તેમની પાસે પોતાના તર્ક છે અને તેમની પાસે બધી જ બાબતોના જવાબ છે. ઇન્ફર્મેશનનો ઓવરફ્લો હોવાથી તેમની સામે જો તમે થોડાક ઓછું જાણતા હો એવું તેમને લાગ્યું તો તેઓ તમને રિસ્પેક્ટ નહીં આપે. આજે ટીચરો સામે બહુ જ મોટો પડકાર છે જેન-ઝીને ભણવામાં રસ પડે એ રીતે ભણાવતા રહેવાનો. તેમને લેક્ચર્સ કે રીડિંગ ફૉર્મેટમાં ભણવું જ નથી. તેઓ કોઈ પણ કમેન્ટ કરતાં અચકાતા નથી, ડરતા નથી. તમે શું માનો છો એનાથી તેમને કોઈ લેવાદેવા પણ નથી. બહુ જ જલદી તેઓ બોર થઈ જાય છે અને આ જ કારણ છે કે આજની પેઢીને ટૅકલ કઈ રીતે કરવી એ અમારા માટે નવો પડકાર જ છે. તેમને લાગે છે કે તેમને બધું જ ખબર છે, પરંતુ એવું હોતું નથી. અફકોર્સ, સામે તેઓ ટ્રાન્સપરન્ટ અને રિયલ છે અને જો તેમને તમારા પર ભરોસો બેઠો અને તમે તેમને સાચી દિશામાં વાળો તો તેઓ ચમત્કાર કરી શકે એટલા સક્ષમ છે.’
જેન-ઝીને ઉછેરવા એ પણ આજના સમયમાં બહુ જ મોટો પડકાર બનતો જાય છે. મલાડમાં રહેતાં દેવાંગ અને શ્વેતા શાહનાં બન્ને સંતાનો જેન-ઝી છે. તેઓ કહે છે, ‘તેમની પાસે તેમનો બહુ જ સ્ટ્રૉન્ગ ઓપિનિયન છે અને તમારી વાત માત્ર તમે કહી દીધું એટલે તેઓ નહીં માને. તમારે તેમને તર્ક આપવો પડશે. અમારા જ ઘરમાં મારી દીકરી આ પ્રોટેસ્ટના પક્ષમાં હતી કારણ કે તેણે ફરી વાર NEET-UGની એક્ઝામ આપવી પડી. આ બધી જ બાબતોમાં અમારો મત જુદો હતો. પેપર-લીક યોગ્ય નથી પરંતુ એના માટે શિક્ષણપ્રધાનનું રાજીનામું માગવાની વાત અમને જસ્ટિફાય નહોતી થતી, પરંતુ તેને થતી હતી. જોકે તમે જો તેમને દાખલા-દલીલ સાથે કંઈક સમજાવવા સમર્થ બનો તો તેઓ માની પણ શકે. તેઓ કૅરિંગ અને ઇમોશનલ છે. જરાક તમે કંઈક બોલી જાઓ તો તેમને વધુ અસર થઈ જતી હોય છે. એનું કારણ કદાચ એ પણ છે કે આપણે તેમને મૅક્સિમમ સુખસગવડો આપવાના પ્રયાસ કર્યા છે. તેમને આપણા કરતાં ઓછો સંઘર્ષ જોવો પડ્યો છે અને સામે તેમને એક્સપોઝર અને એજ્યુકેશન વધુ મળ્યું છે એટલે સ્વાભાવિક રીતે થોડોક ફરક તો રહેવાનોજ.’
ડેમોગ્રાફિક ડિવિડન્ડ કે ડિઝૅસ્ટર?
આપણા દેશમાં જેન-ઝીને જો આપણે સાચી દિશામાં વાળી શક્યા તો એ દેશને સુપરપાવર પણ બનાવી શકે અને જો એવું ન કરી શક્યા તો એ દેશમાં અરાજકતા પણ લાવી શકે. રિષભ શાહ કહે છે, ‘આપણા દેશમાં ૯૦ કરોડથી વધુ લોકો યુવા છે જેમાં અડધોઅડધ જેન-ઝી છે. જો આ ડેમોગ્રાફિક ડિવિડન્ડને યોગ્ય દિશા નહીં મળે તો એ ડેમોગ્રાફિક ડિઝૅસ્ટર બની જશે. ઇન્ટરનેટના ઓવર-એક્સપોઝરને કારણે જેન-ઝી કેટલીક વાર પોતાની સેન્સિબિલિટી ખોઈ દે છે. દેશ માટે શું સારું છે અને શું ખરાબ છે એ સમજવામાં તેઓ ઘણી વાર ઉતાવળ કરે છે, બહુ જલદી જજ કરી બેસે છે. એટલે જ જો તેમને કન્સ્ટ્રક્ટિવ કામ નહીં અપાય તો તે ખતરનાક સાબિત થશે. મીડિયા અને સમાજે તેમને રાહુલ દ્રવિડ જેવા રોલમૉડલ આપવાની જરૂર છે, માત્ર રીલ બનાવનારા ઇન્ફ્લુઅન્સર્સ કે રીલમૉડલ નહીં. આ પેઢીએ પોતાની એનર્જીનો દેશના અર્થતંત્ર અને સાચા એજ્યુકેશન સુધારા પાછળ ઉપયોગ કરવો પડશે અને એમાં સમાજના કન્સ્ટ્રક્ટિવ લોકોએ લીડ કરવું પડશે.’
આખી વાતનો સાર કદાચ એ કાઢી શકાય કે અત્યાર સુધીની સિસ્ટમ અને આપણે બધા જ એક ચહેરો કે નેતા જોવા ટેવાયેલા હતા, પણ આ જેન-ઝીએ આખો નિયમ બદલી નાખ્યો છે. આ આંદોલને સાબિત કર્યું છે કે આ પેઢીને કોઈ એક ચહેરા કે નેતાની જરૂર નથી. આ જનરેશન પોતે જ પોતાની નેતા છે. તેઓ તાત્કાલિક રીઍક્શન આપી દે છે અને એના માટે તેમની પાસે સોશ્યલ મીડિયા છે. જસ્ટ વિચારો કે વડા પ્રધાનને મિત્રોમાંથી ફ્રેન્ડ્સ બોલતા અને તેમને પહેલા વિડિયોમાં કૅમેરા ક્યાં રાખ્યો હોત તો સારું લાગત અને રીલ્સ માટે હુક સ્ટ્રૉન્ગ હોવો જોઈએ જેવી સલાહ આપતા વિડિયો તાત્કાલિક બનાવી જાણે છે. તેઓ સેલિબ્રિટીઝ કે નેતાઓની રાહ જોયા વગર પોતે પોતાના અવાજથી ઇતિહાસ લખી રહ્યા છે. આ પેઢીને જજ કરવાની કે કન્ટ્રોલ કરવાની ભૂલ કરવા જેવી નથી.
તેમને બસ સાંભળવાની, સમજવાની અને સાચી દિશા આપવાની જરૂર છે.
NEET ફરી આપનારા સ્ટુડન્ટ્સ શું કહે છે? સરકારે આટલું મોડું કરવાની શું જરૂર હતી?
માહી શાહ, NEET આપનારી સ્ટુડન્ટ
પેપર-લીકવાળી વાતમાં થયેલા વિરોધને પૂરેપૂરો સપોર્ટ આપતી મલાડમાં રહેતી માહી શાહ ખરેખર પેપર-લીકની ઘટનાથી ખૂબ ડિસ્ટર્બ થઈ હતી અને આટલા લાંબા સમય સુધી સરકારે એની અકાઉન્ટેબિલિટી ન લીધી એ બદલ તેને ગુસ્સો પણ હતો. તે કહે છે, ‘પહેલા અટેમ્પ્ટ કરતાં સેકન્ડ અટેમ્પ્ટમાં મારા માર્ક ઓછા આવ્યા અને મેડિકલમાં આગળ જવાનો પ્લાન પણ મેં ડ્રૉપ કરી દીધો છે. દર વખતે પેપર લીક થાય અને કોઈ એના માટે રિસ્પૉન્સિબિલિટી ન લે એ થોડું ચાલે. હું આ પ્રોટેસ્ટના પક્ષમાં હતી કારણ કે જવાબ સરકારે આપવો જ પડે. અફસોસ છે કે સરકારે ખૂબ મોડું કર્યું, પરંતુ એટલી ખુશી તો છે કે ઍટ લીસ્ટ ફ્યુચર સ્ટુડન્ટ્સને તો આમાં ફાયદો થશે. વાત રહી પ્રોટેસ્ટમાં પૉલિટિક્સ ઍડ થવાની તો એ પણ નૅચરલ છે. દરેકની પાસે પ્રૉબ્લેમ છે અને તેમને સ્ટેજ જોઈએ છે. આ મંચ મળી ગયો. એમાં કંઈ ખોટું નથી. સરકાર કોઈક રીતે તેમની વાત સાંભળશે એટલી જ આશા તેમને પણ હોય છે. NEETના નામે ટ્રિગર થયેલા આ આંદોલનમાં બીજા પણ લોકોના ઇશ્યુને ધારો કે થોડો સપોર્ટ મળી જતો હોય તો એ પણ સારું જ છે. રાજીનામું એક દાખલો સેટ કરવા માટે જરૂરી હતું અને સારું થયું કે મોડું-મોડું પણ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. જોકે હજી પણ આ આખા મામલામાં સંકળાયેલા બધેબધા લોકો વિરુદ્ધ સ્ટ્રિક્ટ ઍક્શન લેવાવી જ જોઈએ. જેન-ઝી તરીકે મને લાગે છે કે એક વાત અમે બધા જ કૉમનલી માનીએ છીએ કે સરકાર અકાઉન્ટેબિલિટી લે અને આ દિશામાં અમારી હેરાનગતિને ઍક્નોલેજ કરીને ભવિષ્યમાં આવું ન થાય એ માટે અશ્યૉરન્સ આપે. આમાં અમારી શું ખોટી માગણી હતી? સરકારે આટલું મોડું કરવાની શું જરૂર હતી?’
૩૫થી ૩૭: ભારતમાં અંદાજે આટલા કરોડ જેન-ઝી છે જે દેશની કુલ વસ્તીના લગભગ પચીસથી ૨૭ ટકા જેટલો હિસ્સો છે.
૧૯૯૭થી ૨૦૧૨: આ વર્ષગાળાની વચ્ચે જન્મેલી પેઢી જનરેશન Z એટલે કે જેન-ઝી કહેવાય છે, અત્યારે એ ૧૪થી ૨૯ વર્ષના વયજૂથમાં આવે છે.
શું જેન-ઝીનો IQ અગાઉની પેઢીઓ કરતાં ઘટી રહ્યો છે?
વીસમી સદી દરમ્યાન દર દાયકે લોકોના સરેરાશ ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ (IQ) સ્કોરમાં સતત ત્રણથી પાંચ પૉઇન્ટનો વધારો નોંધાતો હતો જેને મનોવિજ્ઞાનમાં ફ્લાયન ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. જોકે છેલ્લાં થોડાંક વર્ષોમાં આ ટ્રેન્ડ અટકી ગયો છે અને વિપરીત દિશામાં આગળ વધી રહ્યો છે. અમેરિકાની નૉર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા ૨૦૨૩માં એક લૅન્ડમાર્ક અભ્યાસ પબ્લિશ કરવામાં આવ્યો હતો. ૨૦૦૬થી ૨૦૧૮ વચ્ચે આશરે ૪ લાખ અમેરિકન યુવાનોના બૌદ્ધિક સ્કોર્સ અને ડેટાનું ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું.
જૂની પેઢી કરતાં આજની પેઢીમાં તર્કશક્તિ, શબ્દભંડોળ, વિઝ્યુઅલ પ્રૉબ્લેમ-સૉલ્વિંગ, દાખલા-દલીલો આપવી, ગણતરી અને ગણિતને લગતી ક્ષમતાઓ ઘટી છે જેનું કારણ ડિજિટલ સાધનો પર વધુ પડતી નિર્ભરતા, રીલ્સ અને શૉર્ટ્સ જેવા શૉર્ટ-ફૉર્મ કન્ટેન્ટને કારણે ઘટેલું ધ્યાન અને ઘટેલી વાંચનની ટેવને કારણે આવ્યું છે.
મિસરી મહેતા, NEET આપનારી સ્ટુડન્ટ
ડોમ્બિવલીમાં રહેતી અને મેડિકલમાં ઍડ્મિશન લેવા માગતી ૧૭ વર્ષની મિસરી મહેતા આ આંદોલન અને એજ્યુકેશન સિસ્ટમ વિશે પોતાનો રોષ અને દૃષ્ટિકોણ સ્પષ્ટપણે રજૂ કરતાં કહે છે, ‘Re-NEETમાં ડિફિકલ્ટી લેવલ ઘણું વધારે હતું કારણ કે રિવાઇઝ્ડ પેપર હોવાને કારણે એને ખૂબ જ સ્ટ્રિક્ટ કરી દેવામાં આવ્યું હતું. જો પહેલા અટેમ્પ્ટને માન્ય રખાયો હોત તો આજે મને મેડિકલ કૉલેજમાં ઍડ્મિશન મળી ગયું હોત. મેં વિચારેલું કે સેકન્ડ અટેમ્પ્ટ માટે વધુ મહેનત કરીશ, પરંતુ પેપર જ એટલું ટફ હતું કે જોઈતું રિઝલ્ટ ન આવ્યું. મારું ડ્રીમ ડૉક્ટર બનવાનું છે અને આગળ ન્યુરો, ઑર્થો કે કાર્ડિયોમાં જવું છે એટલે ફરી NEETની એક્ઝામ તો આપવી જ પડશે. એક વાત હું કહી દઉં કે અમારી જનરેશન કોઈ પણ પાર્ટીને આંધળો સપોર્ટ નથી કરતી. સિમ્પલ વાત છે કે સરકારે સારું એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જોઈએ. જ્યારે NEETનું આયોજન કરતી નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અસ્તિત્વમાં આવી ત્યારે બધી જ પરીક્ષાઓ કમ્પ્યુટર-બેઝ્ડ (CBT) મોડ પર કરવાની જરૂર હતી જે નિર્ણય સરકારે હવે આ આંદોલન પછી લીધો. નવાઈ નથી લાગતી તમને? શું કામ આપણે અત્યાર સુધી આટલી મોટી કૉમ્પિટિટિવ એક્ઝામમાં પેપર-પેન મોડ પર અટકેલા હતા? જે થયું એમાં અમારો કોઈ જ ફૉલ્ટ નહોતો છતાં અમારે ભોગવવું પડ્યું. અમારી જનરેશન અનુભવ કરતાં સ્માર્ટ વર્કને વધારે મહત્ત્વનું માને છે. જે કામ અઠવાડિયામાં થતું એ AI પ્રૉમ્પ્ટથી સેકન્ડોમાં થઈ જાય છે. અફકોર્સ, હું બધાને એ પણ કહીશ કે માત્ર પ્રોટેસ્ટ કરવાથી કંઈ નહીં મળે. આપણે આપણી મહેનત પર ટ્રસ્ટ કરવો પડશે.’
તમે જાણો છો?
ગ્લોબલ સર્વે મુજબ જેન-ઝી દિવસમાં
સરેરાશ ૬ કલાક ૪૦ મિનિટ વિવિધ ડિજિટલ સ્માર્ટફોન અથવા લૅપટૉપ જેવી ડિજિટલ સ્ક્રીન પર વિતાવે છે.
૮૫ ટકા યુવાનો નવી પ્રોડક્ટ્સની શોધ કે ખરીદી કરવા માટે ટ્રેડિશનલ ટીવી-ઍડ્સ કે વેબસાઇટને બદલે સોશ્યલ મીડિયા પર નિર્ભર રહે છે.
અગાઉની પેઢીઓની સરખામણીએ જેન-ઝી મનોચિકિત્સક પાસે જવામાં કે ડિપ્રેશન કે ઍન્ગ્ઝાયટીનો સ્વીકાર કરવામાં સૌથી વધુ ઓપન છે. એમાં પંચાવન ટકા યુવાનોએ સ્વીકાર્યું છે કે તેઓ થેરપી લઈ ચૂક્યા છે.
૪૬ ટકા યુવાનો તેમની કરીઅર કે કંપનીની પસંદગી કરતી વખતે એ વાત ધ્યાનમાં રાખે છે કે કંપની પર્યાવરણ પ્રત્યે કેટલી સજાગ છે.
જેન-ઝીમાં એક જગ્યાએ સ્થિર રહેવા કરતાં જલદી નોકરી બદલવાની વૃત્તિ સૌથી વધુ છે. સર્વે મુજબ ૪૨ ટકા જેન-ઝી યુવાનો દર ૩ મહિને નવી નોકરી શોધવાનું વિચારે છે.
મિલેનિયલ્સની સરખામણીએ જેન-ઝીમાં નાની ઉંમરે લગ્ન કરવાના કે બાળકો પેદા કરવાના દરમાં ૭૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. તેઓ નાણાકીય સ્થિરતાને પ્રથમ પ્રાધાન્ય આપે છે.