18 September, 2025 10:39 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મંગળવારે સાંજે લશ્કરી યુનિફૉર્મ અને બંદૂકોથી સજ્જ માસ્ક પહેરેલા ૩ ચોરોએ કર્ણાટકના ચાડચન શહેરમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)ની શાખામાંથી ૨૦ કરોડ રૂપિયાના સોનાના દાગીના અને એક કરોડ રૂપિયાની રોકડ લૂંટી લીધાં હતાં.
લૂંટારાઓએ બ્રાન્ચ-મૅનેજર અને અન્ય કર્મચારીઓને બાંધી દઈને તેમને ટૉઇલેટમાં બંધ કરી દીધા હતા. તેમણે સ્ટાફ અને ગ્રાહકોના હાથ-પગ પ્લાસ્ટિકની થેલીઓથી બાંધી દીધા હતા જેથી તેઓ આગળ વધી ન શકે. તેમણે બ્રાન્ચ-મૅનેજરને મારી નાખવાની ધમકી આપીને તિજોરી અને સોનાનું લૉકર ખોલવા દબાણ કર્યું હતું. લૂંટારાઓએ તેમની બૅગ રોકડ અને સોનાના દાગીનાથી ભરી હતી અને નાસી છૂટ્યા હતા
પ્રારંભિક તપાસ મુજબ લૂંટને અંજામ આપવા માટે ટોળકીએ નકલી નંબરપ્લેટવાળી વૅનનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ તેઓ પાડોશી મહારાષ્ટ્રના પંઢરપુર તરફ ભાગી ગયા હતા. સોલાપુર જિલ્લામાં પ્રવેશ્યા પછી તેઓ એક અકસ્માતનો ભોગ બન્યા હતા જેને કારણે સ્થાનિકો સાથે ઝઘડો થયો હતો. જોકે ત્યાર બાદ લૂંટારાઓ લૂંટાયેલા દાગીના અને રોકડ રકમ સાથે સ્થળ પરથી ભાગી ગયા હતા. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને કર્ણાટક અને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા સંયુક્ત શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.