04 January, 2026 10:08 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ઓડિશાના રાઉરકેલાથી અયોધ્યા જઈ રહેલું પ્રભુ શ્રી રામનું સુવર્ણ ધનુષ્ય હાલમાં દેશવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે
ઓડિશાના રાઉરકેલાથી અયોધ્યા જઈ રહેલું પ્રભુ શ્રી રામનું સુવર્ણ ધનુષ્ય હાલમાં દેશવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આશરે ૨૮૬ કિલો વજનના સુવર્ણ ધનુષ્યની કિંમત આશરે ૧.૧૦ કરોડ રૂપિયા છે. ૪૦ કારીગરોએ ૮ મહિના મહેનત કરીને આ ધનુષ્ય તૈયાર કર્યું છે.
ભગવાન શ્રી રામને સમર્પિત સુવર્ણ ધનુષ્યની અયોધ્યા સુધીની યાત્રા શુક્રવારે રાઉરકેલાની હનુમાન વાટિકાથી શરૂ થઈ હતી. આ ખાસ સુવર્ણ ધનુષ્ય બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે અને ભગવાન રામલલાનાં ચરણોમાં સમર્પિત કરવામાં આવશે. અયોધ્યા પહોંચતાં પહેલાં આ ધનુષ્ય ઓડિશાના તમામ ૩૦ જિલ્લાઓમાંથી પસાર થશે.
કેટલી ધાતુઓનું બનેલું છે?
ધનુષ્ય બનાવવામાં સોનું, ચાંદી, ઍલ્યુમિનિયમ, જસત અને લોખંડ એમ પાંચ ધાતુઓનો ઉપયોગ થયો છે. ધનુષ્યમાં આશરે ૯૮૬ ગ્રામ સોનું અને ૨.૫ કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એની અંદાજિત કિંમત ૧.૧૦ કરોડ રૂપિયા છે. આ ધનુષ્યમાં કારગિલ યુદ્ધથી લઈને ઑપરેશન સિંદૂરની સફળતા સુધી ભારતની લશ્કરી સિદ્ધિઓ સાથે શહીદ સૈનિકોના નામ લખેલા છે.
કાંચીપુરમમાં બન્યું
આ આઠ ફુટ લાંબું અને ૩.૫ ફુટ પહોળું ધનુષ્ય શક્તિ અને ભક્તિનું પ્રતીક છે. એને તામિલનાડુના કાંચીપુરમની ૪૦ મહિલા કારીગરો દ્વારા અત્યંત કુશળતા અને સમર્પણભાવથી બનાવવામાં આવ્યું હતું.