ઇન્સ્ટાગ્રામની ૯૯ રૂપિયામાં ચાઇલ્ડ પૉર્નોગ્રાફી આપતી જાહેરાતો હટાવવાનો સરકારનો આદેશ

06 July, 2026 09:45 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આવી સામગ્રી પર કાર્યવાહી કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે.

પ્રતીકાત્મક તસવીર

ઇન્સ્ટાગ્રામ પર બાળ જાતીય શોષણ સંબંધિત વાંધાજનક સામગ્રીને પ્રોત્સાહન આપતી જાહેરાતો સામે આવ્યા બાદ ભારત સરકારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટાને કડક નોટિસ આપી છે. પેઇડ જાહેરાતોમાં ચાઇલ્ડ સેક્સ્યુઅલ એક્સ્પ્લોઇટેટિવ ઍન્ડ અબ્યુઝ મટીરિયલ (CSEAM) તાત્કાલિક દૂર કરવાનો આદેશ ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નૉલોજી મંત્રાલયે આપ્યો છે અને કંપની પાસેથી ૭ દિવસમાં વિગતવાર જવાબ માગ્યો છે. સરકારે ઇન્સ્ટાગ્રામના ઍલ્ગરિધમની સમીક્ષા કરવા માટે પણ કહ્યું છે.

બીજી તરફ મેટાનો દાવો છે કે એની બાળ જાતીય શોષણ સામગ્રી સામે ઝીરો ટૉલરન્સ નીતિ છે અને આવી સામગ્રી પર કાર્યવાહી કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે.

ઇન્સ્ટાગ્રામ પર કથિત રીતે બાળ જાતીય શોષણને લગતી વાંધાજનક સામગ્રીની ઍક્સેસ આપતી કેટલીક જાહેરાતોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે આવા વિડિયો ફક્ત ૯૯ રૂપિયામાં ખરીદી શકાય છે. આ જાહેરાતોમાં યુઝર્સને ટેલિગ્રામ ચૅનલો પર રી-ડાયરેક્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ કથિત રીતે ૯૯ રૂપિયા જેવી નાની રકમમાં આવા વિડિયો ખરીદી શકતા હતા. આ મુદ્દે સરકારે જણાવ્યું છે કે તે બાળ જાતીય શોષણ દર્શાવતી કોઈ પણ સામગ્રી પ્રત્યે કોઈ પણ પ્રકારની ઢીલ સહન કરશે નહીં. સરકારે આ પ્લૅટફૉર્મ પર આવી સામગ્રીનો પ્રચાર કેવી રીતે કરવામાં આવ્યો એ વિશે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. સરકારે મેટાને ઍલ્ગરિધમિક પ્રમોશનને રોકવા માટે સુધારાત્મક પગલાં લેવા પણ કહ્યું છે. 

national news india indian government instagram social media social networking site meta