22 October, 2026 08:18 AM IST | Haridwar | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે હરિદ્વારમાં ગંગા નદીમાં સફાઈ કરતા સ્વયંસેવકો.
સિંચાઈ વિભાગ દ્વારા હરિદ્વારમાં આવેલી ઉપરી ગંગનહેરમાં વાર્ષિક સફાઈ અને મહત્ત્વના સમારકામ માટે મંગળવારે મોડી રાત્રે પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિકાસ ત્યાગીએ આ વિશે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે હવે ૭ નવેમ્બરે મધ્યરાત્રિએ નહેરમાં ફરીથી નવું પાણી છોડવામાં આવશે. જેનો સીધો અર્થ એ છે કે ૮ નવેમ્બરે (દિવાળી) સવારથી હર કી પૈડી સહિતના તમામ મુખ્ય ઘાટ પર ગંગા નદીનો પ્રવાહ રાબેતા મુજબ શરૂ થઈ જશે.
નહેર બંધ રહેવા દરમ્યાન હરિદ્વાર સહિત કુલ ૧૫ જિલ્લાઓમાં નહેર સાથે જોડાયેલાં વિવિધ સમારકામનાં મહત્ત્વનાં કામો કરવામાં આવશે. આ ઉપરાંત હર કી પૈડી અને આસપાસના અન્ય ઘાટ પર પાણીના પ્રવાહને અસ્ખલિત બનાવવા માટે તમામ કચરો હટાવવામાં આવશે. આ ઉપરાંત તળિયાને પણ સમતલ બનાવવામાં આવશે. જેથી ભવિષ્યમાં આવનારા શ્રદ્ધાળુઓને સ્નાન કરવામાં બિલકુલ મુશ્કેલી ન પડે.
અધિકારીઓએ દેશભરના તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરતાં જણાવ્યું છે કે અત્યંત જરૂરી ન હોય તો આગામી દિવાળી સુધી હરિદ્વારમાં ગંગાસ્નાનનો પોતાનો કાર્યક્રમ મુલતવી રાખવો. આ સમયગાળા દરમ્યાન ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા પણ અર્ધકુંભ મેળાને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો ઝડપથી પૂરાં કરવામાં આવશે. જ્યારે નહેરમાં પાણીનો પ્રવાહ સતત વહેતો હોય ત્યારે જે આંતરિક ખામીઓ બિલકુલ દેખાતી નહોતી એને પણ હવે ખાસ શોધીને એનું સમારકામ કરવામાં આવશે.