14 January, 2026 09:35 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સોમવારે સાંજે જેન-ઝીને ન્યુ દિલ્હીમાં હનુમાનજી પર ગેમ બનાવવાનું સૂચન આપતાં પહેલાં સવારે સાબરમતી રિવરફ્રન્ટ પર નરેન્દ્ર મોદીએ હનુમાનજીના આકારની પતંગ ચગાવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલૉગ ૨૦૨૬ના કાર્યક્રમના સંબોધનમાં યુવાનોને ગેમિંગનો એક નવો આઇડિયા આપ્યો હતો. તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પ લેનારી નવી પેઢી સાથે તેમના મિજાજ મુજબની વાતો કરતાં કહ્યું હતું કે ‘ડિજિટલ ઇન્ડિયાએ ભારતમાં ક્રીએટર્સનો એક નવો સમુદાય ઊભો કર્યો છે. ભારત આજે ઑરેન્જ ઇકૉનૉમી એટલે કે કલ્ચર, કન્ટેન્ટ અને ક્રીએટિવિટીમાં અભૂતપૂર્વ વિકાસ જોઈ રહ્યું છે. આપણી રામાયણ અને મહાભારત જેવી કહાણીઓ છે એને શું આપણે ગેમિંગની દુનિયામાં લાવી શકીએ? આખી દુનિયામાં ગેમિંગનું બહુ મોટું માર્કેટ છે. આપણે આપણી પૌરાણિક કથાઓને ગેમિંગના માધ્યમથી દુનિયામાં રજૂ કરી શકીએ છીએ. આપણા હનુમાનજી તો પૂરી દુનિયાનું ગેમિંગ ચલાવી શકે એવા છે.’
યુવાનોને આત્મનિર્ભર અને વિકસિત થવાની ચાવી આપતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કોઈ પણ દેશ આત્મવિશ્વાસ વિના આત્મનિર્ભર અને વિકસિત નથી થઈ શકતો. એ માટે સામર્થ્ય ઉપરાંત પોતાની વિરાસત પર ગૌરવનો ભાવ હોવો જરૂરી છે.’