✕

દેશભરમાં ભારે વરસાદથી હાહાકાર, ૬૨ લોકોનાં મોત

28 September, 2026 09:23 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

કેદારનાથ પાસે લૅન્ડસ્લાઇડ થતાં ૪૦૦૦ તીર્થયાત્રીઓ ફસાયા, ઉત્તરાખંડમાં હજી રેડ અલર્ટ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઑરેન્જ અલર્ટ

હૃષીકેશ

દેશનાં અનેક રાજ્યોમાં છેલ્લા ૩ દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તરાખંડથી લઈને રાજસ્થાન સુધી પૂર અને વરસાદે ભારે તારાજી સર્જી છે. વિવિધ રાજ્યોમાં સ્થિતિ હજી પણ વણસે એવી શક્યતા છે. 
ઉત્તર પ્રદેશ : લખનઉ અને અયોધ્યા સહિત ૪૫ શહેરોમાં ૭૦ કલાકથી વરસાદ પડી રહ્યો છે. ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં વૃક્ષો ધરાશાયી થયાં છે. રાજ્યમાં બે દિવસમાં ૬૨ લોકોનાં મોત થયાં છે.
ઉત્તરાખંડ : હૃષીકેશમાં ગંગા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે. રુદ્રપ્રયાગમાં લૅન્ડસ્લાઇડ થતાં કેદારનાથ યાત્રા રોકી દેવાઈ છે અને ૪૦૦૦ શ્રદ્ધાળુઓ ફસાયા છે. ઇન્ડિયન મીટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) દ્વારા ૪ જિલ્લામાં રેડ અલર્ટ અપાઈ છે.
બિહાર : નેપાલમાં ભારે વરસાદને કારણે કોસી અને ગંડક નદીમાં પૂર આવ્યું છે. ૧૭ જિલ્લાઓનાં ૬૦૦૦ ગામડાં ટાપુમાં ફેરવાઈ ગયાં છે.
છત્તીસગઢ : ધમતરીમાં પૂરનાં પાણી નદીકિનારે આવેલી દારૂની દુકાનમાં ઘૂસી જતાં બૉટલો તણાઈ હતી જેને પકડવા લોકો બ્રિજ પર ઊમટી પડ્યા હતા.
હિમાચલ પ્રદેશ : રાજ્યના પાંચ જિલ્લામાં વરસાદની અલર્ટ છે. કિન્નોર અને આસપાસના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.
મધ્ય પ્રદેશ : રાજ્યના પૂર્વ ભાગમાં ભારે વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં સીઝનનો ૯૫.૪ ટકા વરસાદ પડી ચૂક્યો છે.
રાજસ્થાન : બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે હવામાનમાં પલટો આવ્યો છે. ૧૬ જિલ્લામાં યલો અલર્ટ છે અને કોટા તથા જેસલમેરમાં કરા પડ્યા છે.
ઓડિશા : રાજ્યના ૧૩થી વધુ જિલ્લામાં ભારે વરસાદને કારણે અચાનક પૂરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. બચાવદળોએ ઑલરેડી ૭૦,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડ્યા છે અને ૩૯૫ રાહતશિબિરો બનાવવામાં આવી છે. 

national news india indian meteorological department uttarakhand kedarnath monsoon news lucknow kanpur jabalpur rishikesh