07 June, 2026 10:49 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મૉન્સૂનના આગમન સાથે કેરલમમાં ભારે વરસાદ ચાલુ છે. અનેક જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયાં છે, વૃક્ષો ઊખડી ગયાં છે અને જનજીવન ખોરવાયું છે. પાંચ જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ અધિકારીઓએ સ્કૂલોમાં રજાઓ જાહેર કરી છે અને રહેવાસીઓને સાવચેત રહેવા જણાવ્યું છે. વરસાદ સંબંધિત ઘટનાઓ અને માર્ગ-અકસ્માતોમાં ૪ લોકોએ જીવ ગુમાવ્યો છે.
હવામાન વિભાગે કાસરગોડ, કન્નુર, વાયનાડ, કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરી છે. મલપ્પુરમ સિવાય બાકીના ૪ જિલ્લામાં કૉલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વરસાદ ચાલુ રહેશે તો રજા વધુ જિલ્લાઓમાં લંબાવી શકાય છે.
પઠાણમથિટ્ટા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ, ત્રિશૂર અને પલક્કડ માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે; જ્યારે તિરુવનંતપુરમ, કોલ્લમ અને અલાપ્પુઝા માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે.
વરસાદ સંબંધિત ઘટનાઓમાં રાજ્યના વિવિધ ભાગોમાં કુલ ૪ લોકોનાં મોત નોંધાયાં છે. ત્રિશૂરમાં ૨૭ વર્ષના વિષ્ણુના ઘર પર ઝાડ પડવાથી તેનું મૃત્યુ થયું હતું. ભારે વરસાદને કારણે થયેલા ગંભીર માર્ગ-અકસ્માતમાં વધુ ૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો.