05 April, 2026 09:58 AM IST | Kedarnath | Gujarati Mid-day Correspondent
સતત હિમવર્ષાને કારણે કેદારનાથ ધામની આસપાસ જબરદસ્ત બરફ જોવા મળી રહ્યો છે.
એક તરફ દેશમાં ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે દેશનાં ઉત્તર અને પશ્ચિમ રાજ્યોમાં વરસાદ, કરા અને હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં ગઈ કાલે વિવિધ સ્થળોએ વીજળી પડવાથી પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગઈ કાલની હિમવર્ષા બાદ ઉત્તરાખંડમાં કેદારનાથના આખા વિસ્તારમાં બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. હિમાચલ પ્રદેશમાં રોહતાંગ પાસ નજીક ભારે હિમવર્ષાને કારણે અટલ ટનલ બંધ કરવામાં આવી છે. અહીં લાહૌલ અને સ્પીતિના ઊંચા પર્વતોમાં હિમવર્ષા ચાલુ છે. શિમલામાં પણ ગઈ કાલે જોરદાર વાવાઝોડા સાથે હળવો વરસાદ પડ્યો હતો.
રાજસ્થાનમાં શુક્રવારે જેસલમેર અને બિકાનેર જેવા રણના જિલ્લાઓમાં ભારે કરા પડ્યા હતા. અજમેર અને બ્યાવરમાં વાવાઝોડાએ અનેક વૃક્ષોને મૂળ સાથે ઉખાડી નાખ્યાં હતાં અને ટિનના શેડ ઉડાડી દીધા હતા. આગામી ૩ દિવસ સુધી હવામાન આવું જ રહેવાની આગાહી છે.
ઉત્તર પ્રદેશના કોસીકલા અનાજબજારમાં ૧૦,૦૦૦ ગૂણીઓમાં રાખવામાં આવેલા ૫૦૦૦ ક્વિન્ટલ ઘઉં વરસાદમાં ભીંજાઈ ગયા હતા. પંજાબ અને દિલ્હી સહિત ૧૧ રાજ્યોમાં ભારે વરસાદની અલર્ટ આપવામાં આવી છે. મધ્ય પ્રદેશના ૩૬ જિલ્લામાં ગઈ કાલે વરસાદ પડ્યો હતો.