03 December, 2025 09:20 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પુતિન ગમેએટલા દિવસ કોઈ પણ દેશમાં રહે, તેમનાં મળ-મૂત્ર હંમેશાં તેમની સાથે બ્રીફકેસમાં સાથે જ પાછા રશિયા લઈ જવામાં આવે છે.
રશિયન પ્રેસિડન્ટની ભારત મુલાકાત પહેલાં દિલ્હીમાં હાઈ અલર્ટ, આપવામાં આવી પાંચ લેયરની સિક્યૉરિટી: સાથે આવશે અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષિત કાર
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન આવતી કાલે ૪ ડિસેમ્બરે ભારતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ માટે દિલ્હીમાં પાંચ લેયરની સુરક્ષા-વ્યવસ્થા ઊભી કરવામાં આવશે જેની એક અઠવાડિયાથી તૈયારી ચાલી રહી છે. ભારતીય સુરક્ષા-એજન્સીઓ પણ સતર્ક છે અને દિલ્હીને હાઈ સિક્યૉરિટી ઝોનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. પુતિનની સુરક્ષાને વિશ્વમાં સૌથી કડક માનવામાં છે. પુતિનનું વિમાન દિલ્હીમાં ઊતરશે એની સાથે જ નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ (NSG) કમાન્ડો સુરક્ષાનું બાહ્ય સ્તર સંભાળી લેશે. પુતિનની ખાસ ઑરસ સેનાટ કારને અગાઉથી ભારત ઍરલિફ્ટ કરવામાં આવશે. સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG), NSG, રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગ (RAW), ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને દિલ્હી પોલીસ ડ્રોન-જૅમર, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) મૉનિટરિંગ, રૂટ સૅનિટાઇઝેશન અને ઍન્ટિ-સ્નાઇપર યુનિટ દ્વારા સમર્થિત પોતાનાં સુરક્ષાસ્તરો તહેનાત કરશે.
પુતિનની કાર અભેદ્ય અને દુનિયાની સૌથી સેફ કાર છે. પુતિન જ્યાં જાય ત્યાં પોર્ટેબલ ટૉઇલેટ પહેલાં પહોંચી જાય છે.
રશિયન ટીમ દિલ્હી પહોંચી
પુતિનની સુરક્ષા માટે તહેનાત રશિયન સ્પેશ્યલ પ્રોટેક્શન ટીમ ઘણા દિવસો પહેલાં દિલ્હી પહોંચી હતી. આ ટીમ હોટેલ, ઍરપોર્ટ, મીટિંગ-સ્થળો અને સમગ્ર રૂટનું નિરીક્ષણ કરી રહી છે. યાત્રા પહેલાં પુતિનની સુરક્ષા-ટીમ એ દેશના ક્રાઇમરેટ, આતંકવાદ, વિરોધ-પ્રદર્શન અને ધાર્મિક ગતિવિધિઓની સ્ટડી કરે છે. આ ટીમ નાના કે મોટા દરેક જોખમનું મૂલ્યાંકન કરે છે. દરેક રૂમમાં કોણ પ્રવેશ કરશે, કઈ લિફ્ટનો ઉપયોગ કરવામાં આવશે, કયા દરવાજાથી પ્રવેશ કરશે અને કયા દરવાજાથી બહાર નીકળવામાં આવશે આ બધું મિનિટ-દર-મિનિટ નક્કી કરવામાં આવે છે.
૧૦૦ સુરક્ષા-અધિકારીઓનું વર્તુળ
પુતિન જ્યારે પણ વિદેશપ્રવાસ કરે છે ત્યારે તેમની સાથે લગભગ ૧૦૦ સુરક્ષા-અધિકારીઓ હોય છે. તેમની સૌથી સુરક્ષિત કાર ઑરસ સેનાટ પણ પુતિનની સાથે હોય છે. આ કાર તેમને કોઈ પણ પ્રકારના હુમલાથી બચાવે છે. ૨૦૧૮થી તેઓ આ કાર વાપરે છે અને એનાં ચારેય ટાયરો પંક્ચર થયા બાદ પણ દોડી શકે છે.
હોટેલની રૂમમાં ખાસ વ્યવસ્થા
પુતિન જ્યાં ઊતરવાના હોય છે એ હોટેલમાં પુતિનની સુરક્ષા-ટીમ સ્પેશ્યલ લિફ્ટ પણ લગાવે છે જેમાં પુતિન પ્રવાસ કરે છે. રૂમમાંથી સાબુ, શૅમ્પૂ, હૅન્ડવૉશ અને ટૂથપેસ્ટ જેવી તમામ ચીજો હટાવી દેવામાં આવે છે અને રશિયાથી લાવવામાં આવેલો સામાન મૂકવામાં આવે છે. રૂમમાં મોબાઇલ બાથરૂમ પણ ઊભો કરવામાં આવે છે જે ખાસ રશિયાથી લાવવામાં આવે છે.
મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા નથી
પુતિન કદી પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા નથી. તેઓ સુરક્ષિત કમ્યુનિકેશન લાઇન દ્વારા વાતચીત કરે છે અને આ માટે તેમના રૂમમાં એક ટેલિફોન બૂથ ઇન્સ્ટૉલ કરવામાં આવે છે.
શેફ પણ રશિયાથી આવે
પુતિન માટે જમવાનું બનાવનારો શેફ પણ રશિયાથી જ આવે છે. જમવાનું બનાવવાનો સામાન પણ રશિયાથી જ આવે છે. તેમના શેફ પણ રશિયન આર્મીના ઑફિસરો હોય છે અને ઇમર્જન્સીમાં યુદ્ધ લડી શકે એવી ટ્રેઇનિંગ મેળવે છે.
સાથે હોય છે ખાસ લૅબોરેટરી
પુતિન દુનિયાભરમાં જ્યાં પણ મુસાફરી કરે છે ત્યાં એક મોબાઇલ કેમિકલ લૅબોરેટરી તેમની સાથે હોય છે. આ લૅબનું કામ તેમના ભોજન અને પાણીનું પરીક્ષણ કરવાનું છે. એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે કે પુતિનને ખોરાકમાં ઝેર આપવામાં આવે નહીં. પુતિન ક્યાંય પણ સ્થાનિક ભોજન લેતા નથી કે સ્થાનિક પાણી પણ પીતા નથી. બધું ખાસ રશિયાથી તૈયાર કરવામાં આવે છે અને લૅબનાં પરીક્ષણો પછી જ તેમને પીરસવામાં આવે છે.
પોર્ટેબલ ટૉઇલેટ પણ સાથે
પુતિનની સુરક્ષાનું બીજું એક અનોખું પાસું એ છે કે તેઓ તેમના અંગત પોર્ટેબલ ટૉઇલેટ સાથે મુસાફરી કરે છે. એનો હેતુ તેમના સ્વાસ્થ્ય, તબીબી ડેટા અને વ્યક્તિગત માહિતીને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાનો છે. તેમની કારથી લઈને હોટેલ સુધી આ ટૉઇલેટ તેમની સાથે દરેક જગ્યાએ હોય છે. રશિયા માને છે કે તેમના પ્રેસિડન્ટનાં મળમૂત્ર પણ વિદેશમાં ન રહે જેનાથી વિદેશના લોકોને પુતિનના સ્વાસ્થ્યની કોઈ જાણકારી મળે નહીં. રશિયામાં આ રાષ્ટ્રીય સુરક્ષા પ્રોટોકૉલ છે. પૂપ બ્રીફકેસમાં આ તમામ રશિયા મોકલવામાં આવે છે.
બે પ્લેન સાથે હોય
પુતિન નક્કી કરેલી પ્રવાસની તારીખે ક્રેમલિનના તેમના ઘર નોવો-ઓગારિયોવોમાંથી ઑરસ સેનાટ કારમાં બેસીને નીકળે છે અને વનુકોવો ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પહોંચે છે. તેમની સાથે તેમના વિમાન ઉપરાંત બે વધારાનાં પ્લેન હોય છે. પુતિનના વિમાનમાં કોઈ ખામી સર્જાય તો બીજા વિમાનમાં તેઓ પાછા ફરે છે. તેમના વિમાનને રશિયાના ટેક્નિશિયનો સિવાય કોઈ રિપેર કરી શકતું નથી. તેમના કાફલામાં ફાઇટર વિમાનો પણ સાથે જ હોય છે. તેમના વિમાનમાં ઘણી સુવિધા છે અને એમાં બેસીને પણ તેઓ પરમાણુ બૉમ્બ વાપરવાની પરવાનગી આપી શકે એમ છે. તેમનું વિમાન ૧૧,૦૦૦ કિલોમીટરની નૉન-સ્ટૉપ મુસાફરી કરી શકે છે. તેમના વિમાનમાં હવામાં જ ફ્યુઅલ ભરી શકાય છે.
પુતિનની ચાર લેયરની સિક્યૉરિટી
પુતિન જ્યારે પણ પબ્લિક વચ્ચે જાય ત્યારે બુલેટપ્રૂફ જૅકેટ પહેરે છે. તેમની ખુદની સિક્યૉરિટી ચાર લેયરની હોય છે. પહેલા લેયરમાં બૉડીગાર્ડ, બીજા લેયરમાં સાદા કપડાંમાં એજન્ટો, ત્રીજી લેયરમાં ભીડની વચ્ચે એજન્ટો અને ચોથી લેયરમાં આસપાસનાં બિલ્ડિંગો પર સ્નાઇપરોનો સમાવેશ છે. આ એજન્ટોને ૩૫ વર્ષની ઉંમરે રિટાયર કરી દેવામાં આવે છે અને એ છતાં તેમના પર નજર રાખવામાં આવે છે.
એજન્સીઓ હાઈ અલર્ટ પર
પુતિનની ભારત-મુલાકાતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય એજન્સીઓ હાઈ અલર્ટ પર છે. રાજધાનીના મુખ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસદળો તહેનાત કરવામાં આવ્યાં છે. હોટેલથી લઈને મીટિંગ-સ્થળો સુધી બહુસ્તરીય સુરક્ષા ગોઠવવામાં આવી છે. તમામ બિંદુઓ પર સ્નાઇપર્સ તહેનાત કરવામાં આવ્યા છે અને ડ્રોન-સર્વેલન્સ પણ ચાલી રહ્યું છે. ટેક્નિકલ ટીમો દરેક સિગ્નલ, સંદેશવ્યવહાર અને નેટવર્ક પર નજર રાખી રહી છે અને ઍન્ટિ-ડ્રોન સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે. સમગ્ર રાજધાનીને હાઈ-સિક્યૉરિટી ઝોન જાહેર કરવામાં આવી છે.
ટ્રાફિક-પ્લાન તૈયાર
પુતિનના કાફલા દ્વારા લઈ જવામાં આવનારા રૂટ પર હાઈ-ડેફિનિશન કૅમેરા અને ફેસ-રેકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરીને રિયલ-ટાઇમમાં દેખરેખ રાખવામાં આવશે. દિલ્હી પોલીસના કન્ટ્રોલ-રૂમમાં 24x7 મૉનિટરિંગ ડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. VIP મૂવમેન્ટ દરમ્યાન દિલ્હીના કેટલાક ભાગોમાં ટ્રાફિક-ડાઇવર્ઝન રાખવામાં આવશે. પોલીસ-સુરક્ષાને પ્રાથમિકતા આપતી વખતે જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે પ્રયાસ કરશે.
પુતિનની સૌથી સુરક્ષિત કાર
ઑરસ સેનાટ પુતિનની સૌથી વિશ્વસનીય કાર છે. આ કારને હરતોફરતો કિલ્લો કહેવો અતિશયોક્તિ નહીં હોય, કારણ કે એ લગભગ અભેદ્ય છે. એ સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે અને ગ્રેનેડ-હુમલા અને ગોળીઓનો સામનો કરી શકે છે. રાસાયણિક હુમલાઓથી બચાવવા માટે એને હવાચુસ્ત રીતે સીલ કરી શકાય છે. એ કોઈ પણ ખતરનાક હુમલાનો સામનો કરી શકે છે.