ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભ માટે મસ્જિદના હિસ્સાને તોડવાના આદેશને હાઈ કોર્ટની લીલી ઝંડી

14 September, 2026 08:40 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

ધાર્મિક સ્થળો સાથે ભેદભાવ ન થતો હોવાનું અને જાહેર હિત માટે આ કાર્યવાહી જરૂરી હોવાનું કોર્ટે સ્પષ્ટ કર્યું

મસ્જિદ

મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે ઉજ્જૈનમાં આગામી સિંહસ્થ કુંભ ૨૦૨૮ પૂર્વે રસ્તા પહોળા કરવા માટે મસ્જિદનો અમુક ભાગ તોડવાના ઉજ્જૈન મહાનગરપાલિકાના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી બંધારણીય નિયમો અનુસાર અને કરોડો શ્રદ્ધાળુઓની સુરક્ષા તથા સુવિધાના જાહેર હિતમાં લેવાઈ છે.

અરજદારોએ દાવો કર્યો હતો કે આ કાર્યવાહી બંધારણની કલમ ૧૪, ૨૫ અને ૨૬ હેઠળ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. જોકે કોર્ટે નોંધ્યું કે આ જ રસ્તા પર અગાઉ ૧૦ મંદિરો અને એક અન્ય મસ્જિદના ભાગો હટાવવામાં આવ્યા છે અને ઉજ્જૈનમાં ૮૦ જેટલાં ધાર્મિક સ્થળો સામે આ પ્રકારની કાર્યવાહી થઈ ચૂકી છે તેથી કોઈ વિશેષ ધર્મ સાથે ભેદભાવ કરાઈ રહ્યો નથી.
ઉજ્જૈન મહાનગરપાલિકા દ્વારા કંથાલ ચોકથી ગોપાલ મંદિર સુધીના ૧.૫ કિલોમીટરના રસ્તાને ૧૫ મીટર પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. સિંહસ્થ કુંભમાં કરોડો લોકો ઊમટી પડવાની સંભાવના હોવાથી ટ્રાફિક-વ્યવસ્થા જાળવવા આ પગલું જરૂરી હોવાની મહાનગરપાલિકાની દલીલ કોર્ટે માન્ય રાખી છે. આથી મસ્જિદનો અમુક ભાગ અને મિનારો તોડવાનો માર્ગ મોકળો બન્યો છે.

national news madhya pradesh kumbh mela india