કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે હાઇવે અને ફ્લાઇટ્સ બંધ

28 January, 2026 10:18 AM IST  |  Manali | Gujarati Mid-day Correspondent

અમેરિકાના સ્નો સ્ટૉર્મમાં કમસે કમ ૩૦ જણનાં મોત, ૫૦ લાખ લોકો વીજળીના અભાવે બેહાલ

ફાઇલ તસવીર

ભારે હિમવર્ષાને કારણે કાશ્મીરની ખીણમાં જનજીવન પર ભારે અસર પડી છે. બરફના તોફાનને કારણે જીવનચર્યા ઠપ થઈ ગઈ છે. વ્યૂહાત્મક જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ છે, રસ્તાઓ પર ટ્રાફિક-જૅમ છે અને હવાઈ ટ્રાફિક પણ ખોરવાઈ ગયો છે. કાશ્મીર દેશના બાકીના ભાગથી કપાઈ ગયું છે. કાશ્મીર પહોંચેલા ટૂરિસ્ટો હોટેલોમાં જ રહેવા મજબૂર છે. સતત હિમવર્ષા અને ભારે બરફના સંચયને કારણે કાશ્મીરની ખીણની જીવનરેખા શ્રીનગર-જમ્મુ નૅશનલ હાઇવે (NH-44) પર વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. નવયુગ ટનલની આસપાસ ભારે બરફથી રસ્તા લપસણા થયા છે. 
ટ્રાફિક-અધિકારીઓએ લોકોને હાઇવે સંપૂર્ણપણે ફરી ન ખૂલે ત્યાં સુધી મુસાફરી ન કરવા જણાવ્યું છે. હજારો ટ્રક-ડ્રાઇવરો હાઇવે પર ફસાયેલા રહ્યા છે. ફળો અને અન્ય સામાન વહન કરતી ટ્રકોની લાંબી લાઇનો લાગી છે. 

શિમલા-મનાલીમાં વરસાદ, અટલ ટનલ પાસે ૪.૫ ફુટ બરફ પડ્યો

હિમાચલ પ્રદેશમાં ગઈ કાલે ભારે વરસાદ અને હિમવર્ષા થઈ હતી. શિમલામાં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. મનાલીના સોલાંગ નાલામાં ગઈ કાલે રાતથી લગભગ એક ફુટ બરફ પડ્યો છે. અટલ ટનલ પાસે ૪.૫ ફુટ બરફવર્ષા થઈ છે. પોલીસે મનાલીમાં અટલ ટનલ પહેલાં ધુંધી નજીક ફસાયેલા બે પ્રવાસીઓને બચાવ્યા હતા. આજે લાહૌલ ખીણમાં ઉદયપુર અને કિલોંગમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ૨૩ જાન્યુઆરીએ થયેલી હિમવર્ષા પછી રાજ્યમાં ૭૫૦ રસ્તાઓ બંધ છે. ૧૫૦૦ પાવર ટ્રાન્સફૉર્મર અને ૧૭૫ પીવાના પાણીના પ્રોજેક્ટ ખોરવાઈ ગયા છે.
લાહૌલ ખીણના તાબોમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન માઇનસ ૮.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 

national news india jammu and kashmir Weather Update indian meteorological department shimla manali