11 July, 2025 09:18 AM IST | Himachal Pradesh | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
એકબાજુ મેઘરાજા હિમાચલ પ્રદેશને ઘમરોળી રહ્યા છે ત્યાં હવે ભૂકંપ આવવાથી હિમાચલ પ્રદેશની ધરતી કાંપી ઊઠી (Himachal Pradesh Earthquake) છે. પર્વતીય જિલ્લો ચંબામાં આજે સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવવા મળ્યા હતા. ભારતીય હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે પરોઢે 6.23 વાગીને 56 સેકન્ડ પર આ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિકટલ સ્કેલ પર ૩.૫ની નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ 32.36 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 76.18 ડિગ્રી પૂર્વ રેખાંશ પર ચંબામાં નોંધાયું હતું. આ ભૂકંપ જમીનની સપાટીથી પાંચ કિલોમીટર નીચે જોવા મળી હતો. જોકે, આ ભૂકંપને કારણે કોઈ નુકસાન થયાના અહેવાલ નથી.
રિપોર્ટ પ્રમાણે આ ભૂકંપ (Himachal Pradesh Earthquake)ની તીવ્રતા ખૂબ જ હળવી હોવાથી ચંબા જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં કોઈ મૅજર નુકસાનથયું નથી. અગાઉ પણ ચંબા જિલ્લામાં ઘણી વાર આ પ્રમાણેના હળવી તીવ્રતાવાળા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે, આ પહેલાં પણ ભૂકંપને કારણે ત્યાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
હાલમાં હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. એની વચ્ચે ધરતીકંપ થતાં સ્થાનિક લોકોમાં ભય પેદા થયો છે.
ભૂકંપના આંચકા (Himachal Pradesh Earthquake) અનુભવાતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અહીંના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં તો આજના ભૂકંપના આંચકા ચોખ્ખી રીતે અનુભવાયા હતા. કેટલાક સ્થળોએ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. હાલમાં જિલ્લા વહીવટીતંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે અને કહ્યું છે કે કોઈએ ફૅક સમાચારથી ગભરાવું નહીં કે ભ્રમિત થવું નહીં.
હજી તો ગઇકાલે જ હરિયાણાના ઝજ્જર જિલ્લા અને દિલ્હી-એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં બે વાર ભૂકંપના ઝટકા મહેસુસ થયા હતા. અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે, ત્યાં પણ ભૂકંપના આંચકા વધારે તીવ્ર તો નહોતા. જેથી સદનસીબે ત્યાં પણ કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.
જોકે, હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં સૌથી વધારે ભૂકંપ (Himachal Pradesh Earthquake) આવતા હોય છે. શિમલા અને મંડી પણ સંવેદનશીલ ઝોનમાં જ ગણવામાં આવે છે.
સમજી લો કે આ ભૂકંપ શા કારણોસર આવે છે?
ભૂકંપ શા માટે આવે છે? આ પ્રશ્ન સહજ આપણને થાય. હવે તમને જણાવી દઈએ કે પૃથ્વીના પેટાળમાં સાત પ્લેટ્સ આવેલ છે. જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટોમાં ઘર્ષણ પેદા થાય છે ત્યારે છે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળી જતાં હોય છે. એવામાં જ્યારે દબાણનું જોર ખૂબ જ વધી જાય છે ત્યારે પ્લેટો તૂટવા માંડે છે. આ સમયે તળેટીની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને આ વિક્ષેપ થવાને કારણે ધરતી ધ્રૂજે છે. તેને સામાન્ય ભાષામાં આપણે ધરતીકંપ કે ભૂકંપ કહીએ છીએ.