23 December, 2025 09:20 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વિનોદ કુમાર શુક્લ
છત્તીસગઢના પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર અને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્તકર્તા વિનોદ કુમાર શુક્લનું મંગળવારે રાયપુર એઈમ્સ ખાતે નિધન થયું. તેમણે ૮૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ રાયપુર એઈમ્સમાં સારવાર લઈ રહ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને વૅન્ટિલેટર પર ઑક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે, બુધવારે સવારે ૧૧ વાગ્યે મારવાડી મુક્તિધામ ખાતે કરવામાં આવશે. તેમના પુત્ર શાશ્વત શુક્લએ જણાવ્યું હતું કે શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને ૨ ડિસેમ્બરના રોજ રાયપુર એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે મંગળવારે સાંજે ૪:૪૮ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમને અનેક અંગોમાં ચેપ લાગ્યો હતો. વિનોદ કુમાર શુક્લના પરિવારમાં તેમની પત્ની, દીકરો શાશ્વત અને એક દીકરી છે.
પ્રખ્યાત નવલકથાકાર, લેખક અને કવિ વિનોદ કુમાર શુક્લ નવલકથા અને કવિતા સ્ટાઈલમાં એક ઉત્કૃષ્ટ સાહિત્યકાર હતા. તેમની પહેલી કવિતા, ‘લગભગ જય હિંદ’, ૧૯૭૧ માં પ્રકાશિત થઈ હતી. તેમની મુખ્ય નવલકથાઓમાં ‘દિવાર મેં એક ખિડકી રહેતી થી,’ ‘નૌકર કી કમીઝ,’ અને ‘ખિલેગા તો દેખેંગે’ સામેલ છે. ફિલ્મ નિર્માતા મણિ કૌલે ૧૯૭૯ માં તેમની નવલકથા ‘નૌકર કી કમીઝ’ ને બૉલીવુડ ફિલ્મ બનાવી હતી. શુક્લની બીજી નવલકથા, ‘દીવાર મેં એક ખિડકી રહેતી થી’ને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. તેઓ હિન્દી સાહિત્યમાં તેમના પ્રાયોગિક લેખન માટે પ્રખ્યાત છે. તેમનું લેખન સરળ, કુદરતી અને અનોખી સ્ટાઈલ માટે જાણીતું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પર શોક વ્યક્ત કરતાં લખ્યું, "જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પ્રખ્યાત લેખક વિનોદ કુમાર શુક્લના નિધનથી મને ખૂબ દુઃખ થયું છે. હિન્દી સાહિત્ય જગતમાં તેમના અમૂલ્ય યોગદાન માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ."
રાજનંદગાંવ જિલ્લામાં જન્મ
શુક્લનો જન્મ ૧ જાન્યુઆરી, ૧૯૩૭ ના રોજ છત્તીસગઢના રાજનંદગાંવ જિલ્લામાં થયો હતો. શુક્લએ શિક્ષણને પોતાના વ્યવસાય તરીકે પસંદ કર્યું. તેઓ જીવનભર સાહિત્ય સર્જનમાં રોકાયેલા રહ્યા. તેઓ હિન્દી સાહિત્યમાં તેમના સરળ લેખન અને અનોખા કવિતાઓ માટે જાણીતા છે. શુક્લ હિન્દી સાહિત્યમાં ૧૨મા સાહિત્યકાર છે.
૨૦૨૪ માં ૫૯મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત
હિન્દી સાહિત્ય જગતમાં તેમના અનન્ય યોગદાન, તેમની વિશિષ્ટ લેખન શૈલી અને તેમની ક્રિએટિવિટી માટે, તેમને ૨૦૨૪ માં ૫૯મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ આ સન્માન મેળવનારા છત્તીસગઢના પ્રથમ લેખક છે.
ભારતીય સાહિત્યને આંતરરાષ્ટ્રીય માન્યતા આપી
વિનોદ કુમાર શુક્લ વિશિષ્ટ ભાષા સ્ટાઈલ અને ઉત્કૃષ્ટ ક્રિએટિવ લેખનથી, તેમણે ભારતીય સાહિત્યને આંતરરાષ્ટ્રીય માન્યતા અપાવી. તેઓ માત્ર એક કવિ જ નહીં પરંતુ એક અગ્રણી સાહિત્યકાર અને વાર્તાકાર પણ હતા. તેમણે તેમની નવલકથાઓમાં દૈનિક જીવનની વિગતોને ખૂબ જ વિગતવાર રીતે જીવંત કરી. ભારતીય હિન્દી સાહિત્ય જગતમાં તેમનું વિશેષ યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. હિન્દી સાહિત્યના ઇતિહાસના સુવર્ણ પાનાઓમાં તેમનું નામ અંકિત થશે. તેઓ તેમની પેઢીના એક લેખક છે જેમના લખાણોએ લોકોને એક નવી પ્રકારની ચેતના આપી.