હિન્દુજા ગ્રુપના ચૅરમૅન ગોપીચંદ પી. હિન્દુજાનું લંડનમાં ૮૫ વર્ષની વયે નિધન

05 November, 2025 10:50 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

હિન્દુજા ગ્રુપના ચૅરમૅન અને ભારતીય મૂળના અબજોપતિ ગોપીચંદ પી. હિન્દુજાનું ગઈ કાલે લંડનની એક હૉસ્પિટલમાં ૮૫ વર્ષની વયે નિધન થયું છે.

ગોપીચંદ પી. હિન્દુજા

હિન્દુજા ગ્રુપના ચૅરમૅન અને ભારતીય મૂળના અબજોપતિ ગોપીચંદ પી. હિન્દુજાનું ગઈ કાલે લંડનની એક હૉસ્પિટલમાં ૮૫ વર્ષની વયે નિધન થયું છે. ગોપીચંદ હિન્દુજા ભારતના સૌથી અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક હતા અને હિન્દુજા ગ્રુપને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૨૦૨૩માં તેમના ભાઈ શ્રીચંદ હિન્દુજાનું ડિમેન્શિયાથી અવસાન થયા પછી તેમણે જૂથના ચૅરમૅન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

બિઝનેસ-સર્કલમાં ‘GP’ તરીકે જાણીતા ગોપીચંદ પી. હિન્દુજા ચાર હિન્દુજા ભાઈઓમાં સૌથી મોટા હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેમના પરિવારમાં પત્ની સુનીતા, પુત્રો સંજય અને ધીરજ તથા પુત્રી રીટાનો સમાવેશ છે. 

સતત ૭ વર્ષ સુધી યુનાઇટેડ કિંગડમના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા હતા

ગોપીચંદ પી. હિન્દુજા સતત ૭ વર્ષ સુધી યુનાઇટેડ કિંગડમના સૌથી ધનિક માણસ હતા. તેમનો જન્મ ૧૯૪૦માં ભારતમાં થયો હતો. ગોપીચંદ હિન્દુજાએ ૧૯૫૯માં મુંબઈની જય હિન્દ કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન કર્યું હતું અને વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ લૉની ઑનરરી ડિગ્રી મેળવી હતી. તેમને લંડનની રિચમન્ડ કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.

હિન્દુજા પરિવારનો વ્યવસાય સૌપ્રથમ ૧૯૧૪માં ગોપીચંદ પી. હિન્દુજાના પિતા પરમાણંદ હિન્દુજા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. ગોપીચંદ હિન્દુજા અને તેમના ભાઈ શ્રીચંદ હિન્દુજાએ વ્યવસાયનો વિકાસ કર્યો અને એને અબજો ડૉલરના સમૂહમાં પરિવર્તિત કર્યો હતો. હિન્દુજા ગ્રુપ ૧૧ ક્ષેત્રોમાં કાર્યરત છે જેમાં ઑટોમોટિવ, બૅન્કિંગ અને ફાઇનૅન્સ, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, હેલ્થકૅર, રિયલ એસ્ટેટ, પાવર અને મીડિયા તથા મનોરંજનનો સમાવેશ થાય છે. તેમની કેટલીક જાણીતી બ્રૅન્ડ્સમાં અશોક લેલૅન્ડ, ઇન્ડસઇન્ડ બૅન્ક અને નેક્સ્ટ ડિજિટલ લિમિટેડનો સમાવેશ થાય છે.

national news india london celebrity death hinduja hospital