દેશભરનાં રાજભવન હવે લોકભવન તરીકે ઓળખાશે

03 December, 2025 08:32 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ગૃહમંત્રાલયના આદેશને પગલે આઠ રાજ્યોમાં રાજભવનનું નામ બદલીને લોકભવન રાખવામાં આવ્યું

હૈદરાબાદમાં રાજભવનની બહાર ગઈ કાલે લોકભવનની તકતીઓ લાગી ગઈ હતી.

ગૃહમંત્રાલયે બ્રિટિશયુગ સાથે સંકળાયેલા રાજભવન અને રાજનિવાસના નામને બદલવાનો આદેશ આપ્યા બાદ ૮ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશે એમના ગવર્નર કે લેફ્ટનન્ટ ગવર્નર હાઉસનું નામ રાજભવન અથવા રાજનિવાસથી બદલીને લોકભવન અથવા લોકનિવાસ કરી દીધું છે.

ગૃહમંત્રાલયના આદેશ મુજબ રાજ્યપાલનાં કાર્યાલયો અને ઉપરાજ્યપાલનાં કાર્યાલયોને અનુક્રમે લોકભવન અને લોકનિવાસ નામ આપવામાં આવ્યું છે. ગૃહમંત્રાલયના પત્રમાંથી પ્રેરણા લઈને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રાજ્યપાલ અથવા લેફ્ટનન્ટ ગવર્નરના નિવાસસ્થાન-કમ-કાર્યાલયના નામમાંથી ‘રાજ’ શબ્દ દૂર કરવાનું શરૂ કર્યું છે.

પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરલા, આસામ, ઉત્તરાખંડ, ઓડિશા, ગુજરાત અને ત્રિપુરાએ આ ફેરફાર કરીને રાજભવનનું નામ બદલીને લોકભવન રાખ્યું છે. રાજભવનનું નામ લોકભવન કરવાનું સૌથી પહેલું કામ પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવ્યું હતું. 

આનાથી શું બદલાશે? 
નામ બદલવાથી થનારું સૌથી મોટું પરિવર્તન એ છે કે લોકો હવે લોકભવનની મુલાકાત લઈ શકશે. પહેલાં રાજભવનનો ઉલ્લેખ લોકોને રાજાના શાહી મહેલ માનવા માટે ડરાવતો હતો, પરંતુ હવે લોકભવન લોકોનું ઘર બનશે. બંધારણીય જગ્યાઓ વધુ સુલભ હશે, પરંતુ સુરક્ષાનાં કારણોસર એમના દરવાજા સંપૂર્ણપણે ખુલ્લા રહેશે નહીં. સામાન્ય નાગરિકો સીધા રાજ્યપાલોને મળી શકશે અને તેમની ફરિયાદો નોંધાવી શકશે. રાજ્યપાલોના કાર્યમાં પણ થોડો ફેરફાર થશે. તેઓ વ્યક્તિગત રીતે ફરિયાદ સમિતિ ચલાવશે. રાજ્યપાલ લોકપાલનાં કાર્યો પણ કરશે. તેઓ જાહેર સુનાવણીઓ યોજશે અને બેઠકો યોજશે. 

national news india raj bhavan lok bhavan west bengal tamil nadu assam gujarat government tripura