21 January, 2026 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રેલવેનું કહેવું છે કે ટ્રેનોનું ભાડું નક્કી કરવાની ફૉર્મ્યુલા એ ટ્રેડ-સીક્રેટ છે અને એને જાહેર કરી ન શકાય. એક અરજીના જવાબમાં રેલવેએ આ સ્પષ્ટતા કરી હતી. શું તમે જાણો છો કે રેલવે ચોક્કસ ટ્રેનમાં ચોક્કસ ગંતવ્યસ્થાન માટેનું ભાડું કઈ રીતે નક્કી કરે છે? રેલવેનું કહેવું છે કે આ ટ્રેડ-સીક્રેટ છે જેને સાર્વજનિક ન કરી શકાય. સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (CIC)એ આ બાબતમાં ભારતીય રેલવે પાસેથી માહિતી માગી હતી, પરંતુ રેલવેએ કહ્યું કે પૅસેન્જર ટ્રેનોના અલગ-અલગ ક્લાસનું ભાડું નક્કી કરવાની રીત અને એનું ક્લાસિફિકેશન એ ટ્રેડ-સીક્રેટ અને બૌદ્ધિક સંપદા અધિકાર ક્ષેત્રમાં આવે છે એટલે રાઇટ ટુ ઇન્ફર્મેશન અંતર્ગત એની માહિતી આપી ન શકાય. CIC દ્વારા એક અરજીમાં ટ્રેનની ટિકિટના બેઝ-ફેરની ગણતરી વિશેની વિસ્તૃત માહિતી માગવામાં આવી હતી. અરજીમાં ટિકિટના બેઝ-ફેરની ગણતરીમાં ડાયનૅમિક પ્રાઇસિંગ માટે કયાં પરિમાણો, મોસમ કે તહેવારોના હિસાબે થતા બદલાવો જેવાં કયાં પરિમાણો સામેલ થાય છે એ જણાવવાનું કહેવામાં આવ્યું હતું.
રેલવે બોર્ડના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસરે કહ્યું હતું કે ‘ભાડું ક્લાસના હિસાબે લેવામાં આવે છે. અલગ-અલગ ક્લાસના ભાડામાં જે અંતર છે એ એમાં આપતી સુવિધાઓ પર આધારિત છે. અલગ-અલગ ક્લાસના ભાડાનું વર્ગીકરણ કરીને બેઝ-ફેર નક્કી કરવાની પદ્ધતિનો સવાલ છે તો એ ટ્રેડ-સીક્રેટ છે એટલે જનહિતમાં એનો ખુલાસો કરવા માટે રેલવે બાધ્ય નથી.’