કોસ્ટગાર્ડે ચાર વર્ષમાં ૩૧૯૩ લોકોને દરિયામાં ડૂબતા બચાવ્યા

17 October, 2025 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોસ્ટગાર્ડના રિપોર્ટમાં ખુલાસોઃ ૧૦,૦૦૦થી વધુ ડિસ્ટ્રેસ કૉલમાંથી ૯૧.૪૪ ટકા નકામા કૉલ

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન કોસ્ટગાર્ડ (ICG)ને છેલ્લાં ચાર વર્ષમાં પશ્ચિમી દરિયાકિનારા પર ૧૦,૦૦૦થી વધુ ડિસ્ટ્રેસ કૉલ મળ્યા હતા જેના જવાબમાં ICGએ દરિયામાં ડૂબતા લગભગ ૩૧૯૩ લોકોના જીવ બચાવ્યા હતા અને ૭૭૪ સર્ચ અને રેસ્ક્યુ મિશન હાથ ધર્યાં હતાં.

પશ્ચિમી દરિયાકિનારા પર મળેલા ૧૦,૦૦૦થી વધુ ડિસ્ટ્રેસ કૉલમાંથી ૯૧.૪૪ ટકા ખોટા અથવા અજાણ્યા કૉલ હોવાનું ICGના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડના વેસ્ટર્ન મૅરિટાઇમ રેસ્ક્યુ કો-ઑર્ડિનેશન સેન્ટર (MRCC)ને ૨૦૨૧ના જાન્યુઆરી મહિનાથી ૨૦૨૫ના ઑગસ્ટ વચ્ચે મળેલી કુલ ૧૦,૪૭૪ ફરિયાદોને પગલે હાથ ધરવામાં આવેલાં ૭૭૪ મિશન દરમિયાન ૩૧૯૩ લોકોને બચાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૬૫ લોકોને મેડિકલ ઇમર્જન્સી હોવાને કારણે દરિયામાંથી પાછા લાવવામાં આવ્યા હતા. આ ડિસ્ટ્રેસ અલર્ટમાંથી ૫૮૪૨ ખોટા નીકળ્યા હતા, જ્યારે ૩૭૩૬ અજાણ્યા કૉલ હતા. 

૨૦૧૬થી ૨૦૨૦ના પાંચ વર્ષના સમયગાળામાં MRCC દ્વારા હાથ ધરવામાં આવેલાં ૧૧૦૫ મિશનમાં ૩૮૯૬ લોકોને બચાવવામાં આવ્યા હતા. આ સમયગાળામાં ૧૨,૮૩૬ અલર્ટમાંથી લગભગ ૬૩ ટકા ખોટા હતા. આ વર્ષે ICGએ ૧૨૦ શિપ સૉર્ટીઝ (નેવી અધિકારીઓની ટીમ) અને ૨૯ ઍરક્રાફ્ટ સૉર્ટીઝની મદદથી રેસ્ક્યુ ઑપરેશન્સ હાથ ધર્યાં હતાં.

national news india indian coast guard indian government indian navy