16 October, 2026 08:13 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં આવેલી ફટાકડાની એક ગેરકાયદે ફૅક્ટરીમાં અત્યંત ભયાનક વિસ્ફોટ થતાં આખું બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું. પૈગમ્બરપુર વિસ્તારમાં થયેલા આ મોટા ધડાકાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે અને બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ-કામગીરી શરૂ કરી દેવાઈ હતી. અહીં ગેરકાયદે ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું અને ત્યાં રાખવામાં આવેલા અત્યંત જ્વલનશીલ પદાર્થોમાં આગ લાગવાને કારણે આ વિસ્ફોટ થયો હોવાનું પ્રાથમિક તારણ છે.