09 March, 2026 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
રાજધાની દિલ્હીમાં અત્યારથી જ ગરમીએ લોકોના નાકે દમ લાવી દીધો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૮.૯ ડિગ્રી રેકૉર્ડ થયું હતું જે સામાન્ય કરતાં ૯.૫ ડિગ્રી વધુ છે. માર્ચના પહેલા વીકમાં આટલી ગરમીએ છેલ્લાં ૫૦ વર્ષનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. શનિવારે ૩૫.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું એ પણ પચાસ વર્ષનો રેકૉર્ડબ્રેક કરનારું હતું.
ભારતીય મોસમ વિભાગે આગાહી કરી છે કે આજથી ૩ દિવસ સુધી હજી પણ ગરમીનો પારો એ જ રહેશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત ૭ રાજ્યોમાં આજથી ૧૧ માર્ચ સુધી પશ્ચિમના હિમાલયના પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વિદર્ભ, રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ૧૨ માર્ચ સુધી હીટવેવ રહેવાની સંભાવના છે.