31 October, 2025 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હવે બૅન્કમાં ૪ નૉમિની નોંધાવી શકાશે
બૅન્કમાં ૧ નવેમ્બરથી દરેક અકાઉન્ટ-હોલ્ડર વધુમાં વધુ ૪ નૉમિનીનું નામ લખાવી શકશે. ડિપોઝિટ અકાઉન્ટ, સેફ્ટી ડિપોઝિટ બૉક્સ કે સિક્યૉર કસ્ટડીમાં રહેલી માલમતા માટે ૪ નૉમિની નોંધાવી શકશે. અત્યાર સુધી મોટા ભાગની બૅન્કોમાં એક અકાઉન્ટ માટે માત્ર એક નૉમિની નોંધાવવાની સુવિધા હતી.
નૉમિનીનાં ચારેય નામને એકસાથે અથવા તો ક્રમવાર નૉમિની તરીકે પણ નોંધાવી શકાશે. એક, બે, ત્રણ કે ચાર... જેટલા નૉમિની હોય એ દરેક માટે અકાઉન્ટ-હોલ્ડર ૨૫, ૫૦ કે જેટલા ટકા હિસ્સો નક્કી કરવો હોય એટલો હિસ્સો નક્કી કરીને રાખી શકશે. જોકે લૉકર ફૅસિલિટીમાં એકથી વધુ નૉમિની ક્રમવાર નોંધાવી શકાશે, પણ તેમના માટે હિસ્સો વહેંચવાની સુવિધા નહીં હોય.
હવેથી અકાઉન્ટ ખોલતી વખતે જ બૅન્ક-કર્મચારીએ ગ્રાહકને નૉમિનીની સુવિધા વિશે સામેથી જાણકારી આપવી પડશે. જો ગ્રાહક પોતે નૉમિનીનું નામ લખવાની ના પાડે તો લેખિતમાં તેનું ડેક્લેરેશન લઈને પછી બૅન્ક તેનું અકાઉન્ટ ઓપન કરી શકશે. જોકે ગ્રાહક ડેક્લેરેશનની ના પાડે તો એ વાતની વિગતવાર નોંધ કરીને બૅન્ક-અકાઉન્ટ ઓપન કરી શકશે. કોઈ પણ સંજોગોમાં નૉમિનીનું નામ લખાવાની ના પાડવાને કારણે ગ્રાહકને અકાઉન્ટ ઓપન કરવાથી વંચિત નહીં રખાય.
SBI કાર્ડથી અમુક ટ્રાન્ઝૅક્શન પર ૧ ટકો ચાર્જ
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI) દ્વારા કાર્ડધારકો માટે કેટલાક ટ્રાન્ઝૅક્શન્સના ફી-સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી થર્ડ પાર્ટી પ્લૅટફૉર્મ્સ દ્વારા થતાં એજ્યુકેશન-સંબંધિત પેમેન્ટ્સ પર ૧ ટકા ચાર્જ લાગશે. જોકે સ્કૂલ, કૉલેજ કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટને ઑફિશ્યલ વેબસાઇટથી ડાયરેક્ટ કરવામાં આવેલા પેમેન્ટ્સ પર કોઈ ચાર્જ નહીં લાગે. અમુક મર્ચન્ટ કૅટેગરીઝમાં હવે SBI કાર્ડથી વૉલેટમાં ૧૦૦૦ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી તો એના પર પણ ૧ ટકા ચાર્જ લાગશે.
PNB લૉકર-ફીમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો
પંજાબ નૅશનલ બૅન્ક (PNB) દ્વારા લૉકરની રેન્ટલ ફીમાં ૨૫ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. તમામ કૅટેગરી અને તમામ વિસ્તારોમાં આ ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલાં જ જાહેર થઈ ગયેલા આ ઘટાડા સાથેની રકમ પ્રમાણેની રેન્ટલ ફી ૧૫ નવેમ્બરથી ગણવામાં આવશે.
NPSમાંથી UPSમાં જવાની ડેડલાઇન ૩૦ નવેમ્બર
નૅશનલ પેન્શન સિસ્ટમ (NPS)માંથી નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)માં શિફ્ટ થવા માગતા હોય એવા કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે ૩૦ નવેમ્બર સુધી આ પરિવર્તન કરી શકશે. સૌથી પહેલાં આ ડેડલાઇન ૩૦ જૂનની હતી, જે બે વાર લંબાવવામાં આવી છે. નિવૃત્ત કર્મચારીઓ અથવા મૃત કર્મચારીના કાયદેસર જીવનસાથીઓ પણ આ સમયમાં NPSમાંથી UPSમાં સ્વિચ થઈ શકે છે.
હવે ઘેરબેઠાં આધાર કાર્ડમાં વિગતો અપડેટ થશે
આધાર કાર્ડમાં પરિવર્તન માટે હવે ક્યાંય નહીં જવું પડે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) દ્વારા અગાઉથી જાહેર કરવામાં આવેલાં પરિવર્તનો ૧ નવેમ્બરથી અમલમાં આવશે. નાગરિકોએ હવે નામ, સરનામું, ડેટ ઑફ બર્થ, મોબાઇલ નંબર કે ઈ-મેઇલ જેવી વિગતોમાં કોઈ પણ ફેરફાર માટે આધાર સેવા કેન્દ્ર પર નહીં જવું પડે, એ માટેની બધી પ્રક્રિયા હવે ઑનલાઇન થઈ શકશે.