27 December, 2025 08:48 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
બંગલાદેશમાં ચાલી રહેલી અશાંતિ
ભારતે બંગલાદેશમાં ચાલી રહેલી અશાંતિ અને હિન્દુઓ પરના અત્યાચારો પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ગઈ કાલે પ્રેસ-બ્રીફિંગમાં જણાવ્યું હતું કે હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની ક્રૂર હત્યાને અવગણી શકાય નહીં, અમે ઢાકામાં હિન્દુ યુવાનની હત્યાની નિંદા કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે ગુનેગારોને શક્ય એટલી વહેલી તકે સજા કરવામાં આવશે.
બંગલાદેશમાં ભારતવિરોધી પ્રચાર વિશે તેમણે કહ્યું હતું કે ‘બંગલાદેશમાં ભારત વિશે ફેલાવવામાં આવી રહેલી ખોટી વાતોને અમે નકારીએ છીએ. ત્યાં કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા જાળવવી એ વચગાળાની યુનુસ સરકારની જવાબદારી છે. વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન લઘુમતીઓ સામે હિંસાના ૨૯૦૦થી વધુ બનાવો નોંધાયા છે.’
લલિત મોદી અને વિજય માલ્યાને પાછા લાવીશું
ભાગેડુ ગુનેગારો લલિત મોદી અને વિજય માલ્યાનો એક વિડિયો તાજેતરમાં વાઇરલ થયો હતો જેમાં દલિત મોદી એવું બોલી રહ્યા હતા કે અમે ભારતના સૌથી મોટા ભાગેડૂઓ છીએ. સરકાર તેમને પાછા લાવવા માટે શું કરી રહી છે એવા સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ‘ભારત સરકાર દેશમાંથી ભાગી ગયેલા અને કાયદાથી બચી ગયેલા તમામ ભાગેડુઓને પાછા લાવવા માટે કામ કરી રહી છે. આ સંદર્ભમાં ઘણા દેશો સાથે વાતચીત ચાલી રહી છે. અમે તેમને દરેક કિંમતે પાછા લાવીશું.’