25 May, 2025 03:33 PM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
Generative AI પ્લેટફોર્મ ‘NamAIste’ના લૉન્ચિંગ સમયેણી તસવીર
તાજેતરમાં જ IIHM (International Institute of Hotel Management) દ્વારા ભારતમાં હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે ખાસ વિકસાવવામાં આવેલ વિશ્વનું પ્રથમ Generative AI પ્લેટફોર્મ ‘NamAIste’નું વિશ્વવ્યાપી લૉન્ચિંગ IIHM, કોલકાતાના ગ્લોબલ કેમ્પસમાં 23મી મે ના રોજ સફળતાપૂર્વક યોજાયું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "મેક ઇન ઇન્ડિયા" અને "વિકસિત ભારત"ના વિઝનને અનુરૂપ `NamAIste` ભારતની ટેક્નોલોજી ક્ષમતા અને નવીન વિચારોનું પ્રતિબિંબ છે. IIHMના ચેરમેન ડો. સુબોર્નો બોઝના માર્ગદર્શન હેઠળ અને ટેક પાર્ટનર `Entiovi Technologies`ના ટેકનિકલ સહયોગથી વિકસિત થયેલ આ AI પ્લેટફોર્મ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે., એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
NamAIste નામ એ કુલ ત્રણ શબ્દો- "નમઃ", "AI" અને "અસ્તે"નું સંયોજન છે. જે ભારતીય સંસ્કૃતિના આધારે હોસ્પિટાલિટી અને ટેક્નોલોજીનું ઉત્તમ સંયોજન પણ દર્શાવે છે. આ Generative AI પ્લેટફોર્મ વિશ્વના પ્રથમ AI આધારિત Hospitality GPT તરીકે ઓળખાશે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, તેમજ ફૂડ ઉદ્યોગના વ્યાવસાયિકોને વૈશ્વિક હોસ્પિટલિટી ટ્રેન્ડ્સ, SOPs, સર્વિસ ઇનોવેશન સ્ટ્રેટેજી, તથા અનુભવ આધારિત માહિતી ઝડપથી ઉપલબ્ધ કરાવશે.
IIHMના ચેરમેન ડૉ. સુબોરોનો બોઝ
આ પ્લેટફોર્મના લૉન્ચિંગ દરમિયાન ડો. બોઝે જણાવ્યું કે, “NamAIste માત્ર ટેક્નોલોજી નહીં, પણ હોસ્પિટલિટી ક્ષેત્રમાં વિચાર કરવાની નવી દિશા છે. NamAIsteને તૈયાર થવામાં કુલ પાંચ મહિના જેટલો સમય લાગ્યો છે. હવે ભારત પણ વિશ્વને નેતૃત્વ આપી શકશે. જેમ કે અમેરિકા પાસે Google છે, ચીન પાસે DeepSeek છે, તે જ રીતે હવે ભારત પાસે NamAIste છે.”
Entiovi Technologiesના ડિરેક્ટર સંજય ચટ્ટોપાધ્યાય
Entiovi Technologiesના ડિરેક્ટર સંજય ચટ્ટોપાધ્યાયે ઉમેર્યું કે, “NamAIste પ્લેટફોર્મ 60 દેશોની હોસ્પિટલિટીની માહિતી પર આધારિત છે. કોઈ બંગાળનો વિદ્યાર્થી જાપાનીઝ રસોઈના ઇતિહાસ વિશે પૂછે, તો તેને બંગાળીમાં જાપાનીઝ ડોક્યુમેન્ટ પરથી જવાબ મળશે. આ જ NamAIsteની ખાસિયત છે.”
IIHM અમદાવાદના કેમ્પસ હેડ ભાગ્યશ્રી ડાબી (ડાબે) અને પૂજા સાંગાણી (જમણે)
IIHM અમદાવાદના કેમ્પસ હેડ ભાગ્યશ્રી ડાબીએ NamAIsteના ફાયદાઑ અંગે વાત કરતાં કહ્યું કે, “આ એપ્લિકેશન હોસ્પિટલિટી ક્ષેત્રમાં શિક્ષણ અને તાલીમમાં મૂળભૂત પરિવર્તન લાવશે. વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો વધુ સચોટ ડેટા આધારિત નિર્ણયો લઈ શકશે, આંતરરાષ્ટ્રીય SOPs અને બેસ્ટ પ્રેક્ટિસીસને તરત એક્સેસ કરી શકાશે. આ સાથે ફૂડ ઇન્ડસ્ટ્રી સંબંધિત અનુભવ આધારિત માહિતી પણ પ્રાપ્ત થશે, જે અભ્યાસ અને તાલીમની ગુણવત્તા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
આ નવતર Hospitality GPT `NamAIste`ના લૉન્ચિંગ સાથે હવે ભારત ટેક્નોલોજી ક્ષેત્રમાં નવી દિશામાં આગળ વધી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવી રહ્યું છે. આ એપ્લિકેશન જૂન 2025ના અંત સુધીમાં તમામ મોબાઈલ યુઝર્સ તથા સર્વસામાન્ય લોકો માટે ઉપલબ્ધ બની જશે. પ્રારંભિક બે મહિના દરમિયાન આ એપ્લિકેશન IIHMના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે સંપૂર્ણપણે ફ્રી રહેશે, જ્યારે સામાન્ય જનતા માટે આ એપ્લિકેશન ChatGPTની જેમ સબ્સ્ક્રિપ્શન આધારિત મોડેલ પર કાર્ય કરશે.