21 January, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં કુદરતી રીતે મળતા અને લૅબોરેટરીમાં ઉગાડવામાં આવતા હીરાને ડિજિટલ અને ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર ડાયમન્ડ કે હીરા તરીકે વેચવામાં આવતા હોવાથી ઘણી વાર મુશ્કેલી ઊભી થાય છે અને આના કારણે ભારતીય જેમ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગ લાંબા સમયથી પડકારોનો સામનો કરી રહ્યો છે. આના ઉકેલરૂપે હવે કુદરતી હીરાને પરિભાષિત કરવામાં આવ્યો છે. કુદરતી હીરા અને પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા હીરા વચ્ચે મજબૂત ભેદ છે. આ પગલું ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવે છે અને ભારતીય હીરા ઝવેરાત બજારમાં વધુ પારદર્શિતાને ટેકો આપે છે. આ પહેલને સમગ્ર દેશમાં જ્વેલરી ઉદ્યોગ તરફથી મજબૂત સમર્થન મળ્યું છે.
‘હીરા’ ની વ્યાખ્યા કરતાં હવે કહેવામાં આવ્યું છે કે ‘હીરા’ શબ્દનો ઉપયોગ ફક્ત કુદરતી હીરા માટે જ થાય છે. વિક્રેતાઓ કુદરતી, વાસ્તવિક (રિયલ), અસલી (જેન્યુઇન) અથવા કીમતી (પ્રેશિયસ) જેવા ક્વૉલિફાયરનો ઉપયોગ કરી શકે છે.
લૅબોરેટરીમાં માનવનિર્મિત હીરાને હવે લૅબોરેટરી ગ્રોન ડાયમન્ડ (LGD) અથવા લૅબ ગ્રોન અથવા લૅબ ડાયમન્ડ તરીકે ઓળખવામાં આવશે. હીરાની જ્વેલરીની જાહેરાતમાં હવે લૅબોરેટરીમાં તૈયાર કરવામાં આવતા હીરા માટે ભ્રામક ભાષા જેવી કે નેચર્સ (પ્રકૃતિ), પ્યૉર (શુદ્ધ), અર્થ-ફ્રેન્ડ્લી (પૃથ્વી-મૈત્રીપૂર્ણ) અથવા કલ્ચર્ડ જેવા શબ્દોનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવી છે.
આ સંદર્ભે પ્રતિક્રિયા આપતાં નૅચરલ ડાયમન્ડ કાઉન્સિલનાં મૅનેજિંગ ડિરેક્ટર રિચા સિંહે જણાવ્યું હતું કે આ સ્ટાન્ડર્ડ માટે ગ્રાહકો લાંબા સમયથી રાહ જોતા હતા. જ્યારે કોઈ હીરા ખરીદે તો તેને એ જાણવાનો અધિકાર છે કે શું એ કુદરતી છે કે લૅબોરેટરીમાં તૈયાર થયા છે? આનાથી કુદરતી હીરાના મૂલ્યનું રક્ષણ થાય છે.