ભારત વિશ્વનો બીજો સૌથી એકલવાયો દેશ

18 June, 2026 07:29 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ડિજિટલ યુગમાં વધતું ગંભીર માનસિક સંકટ : મજબૂત પારિવારિક માળખું હોવા છતાં ૩૭ ટકા ભારતીયો ઉદાસીનો ભોગ : એકલતાથી ડિપ્રેશનનો ખતરો ૫૦ ટકા જેટલો વધતો હોવાનો નિષ્ણાતોનો દાવો

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા અને ટેક્નૉલૉજીથી જોડાયેલી આજની હાઇપર-કનેક્ટેડ દુનિયામાં એકલતા મોટા જાહેર આરોગ્ય સંકટ તરીકે ઊભરી રહી છે. હાલમાં જ કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેમાં ૩૬ દેશોમાંથી ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી એકલવાયો દેશ જાહેર થયો છે. આ યાદીમાં ટર્કી પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત બીજા અને બ્રાઝિલ ત્રીજા ક્રમે છે. સર્વે અનુસાર ૩૭ ટકા ભારતીયો વારંવાર ભારે ઉદાસીનો અનુભવ કરે છે. ચોંકાવનારી વાત એ છે કે ભારતમાં મજબૂત પારિવારિક અને સામાજિક માળખું હોવા છતાં આ એકલતા વ્યાપક સ્તરે જોવા મળી છે જે દર્શાવે છે કે આ સમસ્યા શારીરિક કરતાં ભાવનાત્મક વધુ છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એકલતાનો અર્થ માત્ર એકલા રહેવું એવો નથી. તમે માણસોથી ભરેલી રૂમમાં બેઠા હોવા છતાં જો અદૃશ્ય કે અલિપ્ત અનુભવો તો એ વાસ્તવિક એકલતા છે. નિષ્ણાતોના મતે બદલાતી શહેરી જીવનશૈલી અને માત્ર ડિજિટલ સંવાદો આ માટે જવાબદાર છે. લાંબા સમયની એકલતા ક્લિનિકલ ડિપ્રેશનનો ખતરો ૫૦.૨ ટકા સુધી વધારી દે છે, જે સામાન્ય લોકોમાં માત્ર ૯.૭ ટકા હોય છે. આ એકલતા માત્ર માનસિક જ નહીં, શારીરિક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. એનાથી સ્ટ્રેસ હૉર્મોન્સ હાઈ રહે છે જે હૃદયરોગ, નબળી રોગપ્રતિકારક શક્તિ અને વહેલા ઑલ્ઝાઇમર્સ જેવી ગંભીર બીમારીઓ તરફ દોરી જાય છે.

national news india healthy living mental health