ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની સફળ ટ્રાયલ

29 June, 2026 10:07 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

જિંદ-સોનીપત વચ્ચે ૧૨૦ કિલોમીટરની ઝડપે દોડી: હાઇડ્રોજન ફૉર હેરિટેજ હેઠળ ૩૫ રૂટ પર દોડશે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રેલવેની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત (Hydrogen-powered) ટ્રેનનું નવી દિલ્હી અને જિંદ વચ્ચે નવી સફળ ટ્રાયલ-રન કરવામાં આવી છે. આ પરીક્ષણ દરમ્યાન રેલવેના એન્જિનિયરોએ ઇમર્જન્સી બ્રેકિંગ ડિસ્ટન્સ અને ઓસિલેશન (ધ્રુજારી) પર ખાસ નજર રાખી હતી જેથી પ્રોજેક્ટને વ્યાવસાયિક સેવા માટે આગળ વધારી શકાય. આ ટ્રેને જિંદ-સોનીપત સેક્શન પર પરીક્ષણ દરમ્યાન ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ હાંસલ કરી હતી, જોકે મુસાફરો માટે એની ઑપરેશનલ સ્પીડ ૭૫ કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવશે. રેલવે બોર્ડે અગાઉ ૨૨ મેએ જ આ ૧૦ કોચના ટ્રેનસેટને મંજૂરી આપી દીધી હતી.

આ પ્રોજેક્ટ હેઠળ સામાન્ય ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (DEMU) ટ્રેનને હાઇડ્રોજન ફ્યુઅલ સેલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ ટ્રેન વિશ્વની સૌથી લાંબી અને ૨૪૦૦ કિલોવૉટ ક્ષમતા ધરાવતી સૌથી પાવરફુલ હાઇડ્રોજન ટ્રેન છે, જે એક સિંગલ ફ્યુઅલ સાઇકલ પર ૨૫૦ કિલોમીટર સુધી દોડી શકશે.

રેલવેના જણાવ્યા મુજબ જે હેરિટેજ રૂટ અથવા પહાડી વિસ્તારોમાં વીજળીકરણ કરવું મુશ્કેલ છે ત્યાં ‘હાઇડ્રોજન ફૉર હેરિટેજ’ કાર્યક્રમ હેઠળ આવી ૩૫ ટ્રેનો ચલાવવાનું આયોજન છે. આ માટે હરિયાણાના જિંદ ખાતે એક ખાસ રીફ્યુઅલિંગ પ્લાન્ટ પણ સ્થાપવામાં આવ્યો છે જે દૈનિક ૪૨૦થી ૪૩૦ કિલો હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં આપેલા લેખિત જવાબ મુજબ પ્રત્યેક ટ્રેન પાછળ આશરે ૮૦ કરોડ રૂપિયા અને રૂટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

કેવી રીતે દોડે છે પ્રદૂષણમુક્ત હાઇડ્રોજન ટ્રેન?

હાઇડ્રોજન ટ્રેનની કાર્યપદ્ધતિ ‘રિવર્સ ઇલેક્ટ્રોલિસિસ’ (Reverse Electrolysis) ટેકનોલોજી પર કામ કરે છે. આ ટ્રેન બહારના ઓવરહેડ વાયર વગર પોતાની વીજળી જાતે જ ઉત્પન્ન કરે છે. ટ્રેનમાં ફીટ કરાયેલા ફ્યુઅલ સેલમાં ઓનબોર્ડ સ્ટોર કરેલો હાઇડ્રોજન અને હવામાંથી મેળવેલો ઓક્સિજન રાસાયણિક રીતે ભેગા થાય છે. આ પ્રક્રિયાથી મોટી માત્રામાં ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે, જે ટ્રેનના મોટરને પાવર આપે છે. પર્યાવરણ માટે આ ટેકનોલોજી આશીર્વાદરૂપ છે કારણ કે તેમાંથી ઝેરી ધુમાડાને બદલે બાય-પ્રોડક્ટ તરીકે માત્ર પાણીની વરાળ અને ગરમી જ બહાર નીકળે છે

હાઇડ્રોજન ટ્રેનનું સંચાલન મોટો પડકાર

ભારતમાં હાઇડ્રોજન ટ્રેનનું સફળ પરીક્ષણ ભલે થયું હોય, પણ એનું વ્યાવસાયિક સંચાલન એટલું સરળ નથી. જર્મનીમાં ૨૦૧૮થી આ ટેક્નૉલૉજી કાર્યરત હોવા છતાં ભારત માટે એની સામે ત્રણ મુખ્ય પડકારો છે. પ્રથમ, સંપૂર્ણ પ્રદૂષણમુક્ત’ગ્રીન હાઇડ્રોજનનું મોટા પાયે ઉત્પાદન કરવું અત્યંત મોંઘું છે. બીજું, હાઇડ્રોજનને સ્ટોર કરવા માટે ૩૫૦થી ૭૦૦ બારના ઊંચા દબાણની જરૂર પડે છે, જે ગૅસની પોતાની ૬થી ૧૦% ઊર્જા વાપરી નાખે છે. વળી, ગૅસના કારણે ધાતુનાં સિલિન્ડરો નબળાં પડવાનું અને કાટ લાગવાનું ગંભીર સુરક્ષા જોખમ રહે છે. ત્રીજું, યુરોપના ઠંડા દેશોની સરખામણીએ ભારતનું અત્યંત ગરમ હવામાન આ ફ્યુઅલ સેલની ટકાઉક્ષમતા માટે મોટી કસોટી સાબિત થશે.

national news india new delhi delhi news indian railways