આવી ગઈ છે પહેલવહેલી સંપૂર્ણપણે સ્વદેશી AK-203 રાઇફલ શેર

25 August, 2026 11:53 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ભારતે હથિયાર બનાવવાના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં લગાવી છલાંગ: ૧ મિનિટમાં ૭૦૦ રાઉન્ડ ફાયર કરી શકે છે : અમેઠીના કોરવા પ્લાન્ટમાં દર મહિને ૧૨,૦૦૦ રાઇફલનું ઉત્પાદન થશે

AK-203 અસૉલ્ટ રાઇફલ

ભારતે સંપૂર્ણપણે ભારતીય સામગ્રીમાંથી બનેલી પ્રથમ AK-203 અસૉલ્ટ રાઇફલના ઉત્પાદન અને સફળ પરીક્ષણ સાથે નાનાં શસ્ત્રોના ઉત્પાદનને સ્વદેશી બનાવવાના પ્રયાસમાં અનોખી સિદ્ધિ મેળવી છે. ‘શેર’ નામની આ રાઇફલનું ઉત્પાદન અમેઠીના કોરવા ઑર્ડનન્સ ફૅસિલિટી ખાતે ઇન્ડો-રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (IRRPL) દ્વારા કરવામાં આવ્યું હતું, જે ભારત અને રશિયા વચ્ચે ૨૦૧૯માં મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સ્થાનિક સ્તરે AK-203 રાઇફલ્સનું ઉત્પાદન કરવા માટે સ્થાપિત સંયુક્ત સાહસ છે.

આ સંદર્ભમાં IRRPLના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) અને મૅનેજિંગ ડિરેક્ટર (MD) મેજર જનરલ એસ. કે. શર્માએ જણાવ્યું હતું કે ‘અમે ૧૦૦ ટકા ભારતીય ઘટકો અને ઇનપુટ સામગ્રીથી બનેલી પ્રથમ AK-203 (શેર) રાઇફલનું સફળતાપૂર્વક ઉત્પાદન અને ફાયરિંગ કર્યું છે. આ રાઇફલમાં વપરાતો દરેક ઘટક અને દરેક ઇનપુટ સામગ્રી ભારતીય ઉદ્યોગમાંથી મેળવવામાં આવ્યાં છે. આ રાઇફલ સાચા અર્થમાં એન્ડ-ટુ-એન્ડ ૧૦૦ ટકા અસલી સ્વદેશી છે. આ આત્મનિર્ભર ભારત છે. રાઇફલની ફાયરિંગ ટ્રાયલ થઈ છે જેમાં બર્સ્ટ ફાયરિંગનો સમાવેશ થાય છે. અમે હવે સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન ટ્રાયલ માટે આર્મીને સોંપવા જરૂરી સંખ્યામાં ૧૦૦ ટકા સ્વદેશી પ્રોટોટાઇપ બનાવવા તરફ કામ કરી રહ્યા છીએ.’

ટૂંક સમયમાં જ ભારત દર ૧૦૦ સેકન્ડે એક AK-203 રાઇફલનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખશે. આ પગલાથી કંપની ભારતીય સેનાને પૂરી પાડવામાં આવનારી લગભગ ૬ લાખ રાઇફલ્સ માટે ડિલિવરી શેડ્યુલને લગભગ એક વર્ષ સુધી આગળ લાવવામાં સક્ષમ બની છે.

કેવી છે AK-203 અસૉલ્ટ રાઇફલ?
AK-203 એ ગૅસ-સંચાલિત 7.62x39mm અસૉલ્ટ રાઇફલ છે. આ રાઇફલનો ફાયરિંગ-દર પ્રતિ મિનિટ ૭૦૦ રાઉન્ડ છે અને ૮૦૦ મીટર સુધીની અસરકારક રેન્જ છે. સ્થાનિક રીતે ઉત્પાદિત AK-203 રાઇફલ્સ ભારતીય સૈન્યની જૂની થતી રાઇફલ્સને બદલવા માટે બનાવવામાં આવી છે. AK-203ને જૂના પ્લૅટફૉર્મની તુલનામાં વધુ ઘાતકતા, સુધારેલ એર્ગોનોમિક્સ અને ઑપરેશનલ વિશ્વસનીયતા પ્રદાન કરતી તરીકે વર્ણવવામાં આવે છે.

national news india amethi defence ministry