09 August, 2026 02:34 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન ઍર ફોર્સ (IAF)ના એક વિંગ કમાન્ડરની દિલ્હી પોલીસે સંરક્ષણ સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરવાના આરોપ બાદ ધરપકડ કરી છે. બે મહિના પહેલાં કસ્ટડીમાં લેવાયેલા આ અધિકારી પર ઑફિશ્યલ સીક્રેટ્સ ઍક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તે જુડિશ્યલ કસ્ટડીમાં છે. તપાસ-અધિકારીઓ માને છે કે વ્યૂહાત્મક લશ્કરી ગુપ્તચર માહિતીને લક્ષ્ય બનાવતું આ એક વિશાળ જાસૂસી નેટવર્ક હોઈ શકે છે. આ અધિકારી ફીલ્ડ યુનિટમાં ફરજ બજાવતો હતો. ૩૧ મેની રાત્રે આ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાન માટે કામ કરતી મહિલાએ IAF અધિકારીનો સોશ્યલ મીડિયા પર સંપર્ક કર્યો હોવાની જાણકારી મળી રહી છે. આ મહિલા પાકિસ્તાની હૅન્ડલર્સના ઇશારે કામ કરી રહી હતી અને તેણે વિંગ કમાન્ડરનો વિશ્વાસ મેળવ્યો હતો અને તેમને એક ઍપ ડાઉનલોડ કરવા કહ્યું હતું. આ ઍપ ડેટાની ચોરી કરવા અને લોકેશન ટ્રૅક કરવા માટે રચાયેલા સ્પાયવેરનું એક સ્વરૂપ હતું.
મહિલાએ લશ્કરી હિલચાલ, સૈનિકોની તહેનાતી, ફોટોગ્રાફ્સ, વિડિયો અને અન્ય સંવેદનશીલ સામગ્રી માગતાં પહેલાં ચૅટ અને વિડિયો-કૉલ દ્વારા સંપર્ક સ્થાપિત કર્યો હતો. તપાસ-અધિકારીઓનો આરોપ છે કે વિંગ કમાન્ડરે ડિજિટલ કમ્યુનિકેશન ચૅનલો દ્વારા તેની સાથે સંવેદનશીલ દસ્તાવેજો અને ડેટા શૅર કર્યા હતા.