ભારતના ડૉક્ટરોની મોટી સફળતા, માત્ર ૯ દિવસમાં બ્લડ-કૅન્સરની સારવાર કરી

22 May, 2025 07:49 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

જેની સારવારનો ખર્ચ ત્રણથી ૪ કરોડ રૂપિયા થાય છે એ હવે ૯૦ ટકા ઓછા ખર્ચે થઈ શકશે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય ડૉક્ટરોએ માત્ર નવ દિવસમાં બ્લડ-કૅન્સરની સારવાર કરીને આવા દરદીઓમાં આશાનું કિરણ જગાવ્યું છે. આ સફળતા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ક્રિસ્ટિયન મેડિકલ કૉલેજ (CMC)-વેલ્લોરને ક્લિનિકલ ટ્રાયલમાં પ્રાપ્ત થઈ છે. પહેલી વાર કૅન્સરને નાથતા CAR-T કોષો હૉસ્પિટલમાં જ બનાવવામાં આવ્યા હતા. આ રીતે સારવાર કર્યા બાદ ૮૦ ટકા દરદીઓમાં ૧૫ મહિના પછી પણ કોઈ સક્રિય કૅન્સર નથી.

આ મુદ્દે ICMRના જણાવ્યા મુજબ ‘આ ટ્રાયલ બતાવે છે કે કૅન્સરની સારવાર કેવી રીતે સસ્તી અને ઝડપી બનાવી શકાય છે. ભારત હવે સ્વદેશી બાયો-થેરપી વિકસાવવામાં અગ્રેસર બની રહ્યું છે જે વૈશ્વિક સ્તરે પણ મહત્ત્વપૂર્ણ છે.’

આ ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો મૉલેક્યુલર થેરપી ઑન્કૉલૉજી જર્નલમાં પ્રકાશિત થયાં છે. જર્નલમાં પ્રકાશિત વિગતો અનુસાર, ડૉક્ટરોએ ઍક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા (ALL) અને લાર્જ બી-સેલ લિમ્ફોમા (LBCL)થી પીડાતા દરદીઓ પર CAR-T થેરપીનું પરીક્ષણ કર્યું હતું. આ બન્ને બ્લડ-કૅન્સરના પ્રકારો છે. આ પ્રક્રિયામાં દરદીના પોતાના ટી-કોષો (રોગપ્રતિકારક કોષો) કૅન્સર સામે લડવા માટે તૈયાર થાય છે. જોકે ભારતમાં CAR-T ઉપચારનો આ પહેલો અભ્યાસ નથી. ઇમ્યુનો ઍક્ટ નામની કંપની અને મુંબઈની તાતા મેમોરિયલ હૉસ્પિટલે સાથે મળીને પ્રથમ સ્વદેશી ઉપચાર વિકસાવ્યો હતો જેને ૨૦૨૩માં કેન્દ્ર તરફથી મંજૂરી પણ મળી ગઈ છે.

ટ્રાયલનાં પરિણામો જાહેર કરતાં ICMRએ જણાવ્યું હતું કે ‘ઍક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા (ALL) કૅન્સરથી પ્રભાવિત બધા દરદીઓ સાજા થઈ ગયા હતા, જ્યારે લાર્જ બી-સેલ લિમ્ફોમા (LBCL)ના ૫૦ ટકા દરદીઓ રોગમુક્ત હતા. બન્ને પ્રકારના દરદીઓનું લાંબા ગાળા સુધી ફૉલોઅપ કરવામાં આવ્યું જેમાં ૮૦ ટકા દરદીઓ ૧૫ મહિના પછી પણ રોગમુક્ત રહ્યા હતા. કેટલાક દરદીઓમાં ઉપચારની હળવી આડઅસરો જોવા મળી છે, પરંતુ ન્યુરોટૉક્સિસિટી એટલે કે ચેતાતંત્ર પર આડઅસર જોવા મળી નથી.’

આ પ્રક્રિયા હૉસ્પિટલમાં જ ઑટોમેટેડ મશીનોનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી અને એમાં લગભગ ૯ દિવસનો સમય લાગ્યો હતો, જ્યારે વૈશ્વિક સ્તરે CAR-T ઉપચારમાં ઓછાંમાં ઓછાં પાંચ અઠવાડિયાં એટલે કે ૪૦ દિવસ લાગે છે. ભારતીય ટ્રાયલમાં દરદીઓના તાજા કોષોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે ઝડપી રિકવરી થઈ હતી. 
ભારતમાં કૅન્સરની સારવાર મોંઘી છે અને મોટા ભાગના લોકો પાસે વીમો નથી, પણ આ ઉપચાર- પદ્ધતિ ખર્ચમાં ૯૦ ટકા સુધી ઘટાડો કરે છે. વૈશ્વિક સ્તરે CAR-T થેરપીનો ખર્ચ ૩,૮૦,૦૦૦થી ૫,૨૬,૦૦૦ ડૉલર (આશરે ૩થી ૪ કરોડ રૂપિયા) છે, પરંતુ આપણા મૉડલે હવે એને ઘણી ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવાનો માર્ગ ખોલી દીધો છે. 

national news india healthy living ministry of health and family welfare cancer