08 March, 2026 07:57 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
જયશંકર
દિલ્હીમાં આયોજિત વૈશ્વિક પરિસંવાદના મંચ પર અમેરિકાના નાયબ વિદેશપ્રધાન ક્રિસ્ટોફર લેન્ડાઓએ બે દિવસ પહેલાં ભારતની વિકાસયાત્રા પર બિનજરૂરી કમેન્ટ્સ કરી હતી એનો જવાબ આપવાની તક ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે ઝડપી લીધી હતી અને કોઈનું નામ લીધા વિના તેમણે અમેરિકાને મેસેજ આપવામાં કોઈ કસર છોડી નહોતી. તેમણે કહ્યું હતું કે ભારતની વિકાસયાત્રા એના પોતાના પ્રયાસો દ્વારા નક્કી થશે અને એને કોઈ રોકી શકશે નહીં.
આ રાજદ્વારી ચર્ચાસત્રમાં જયશંકરે કહ્યું હતું કે ‘આજે જ્યારે આપણે રાષ્ટ્રોના ઉદય વિશે વાત કરીએ છીએ ત્યારે એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે કોઈ પણ રાષ્ટ્રનો ઉદય એ રાષ્ટ્ર દ્વારા નક્કી થાય છે. ભારતનો ઉદય ભારત દ્વારા જ નક્કી કરવામાં આવશે. એ આપણી શક્તિઓ પર આધારિત હશે, બીજા કોઈની ભૂલો પર નહીં.’
બે દિવસ પહેલાં ગુરુવારે લૅન્ડાઓએ આ મંચ પર કહ્યું હતું કે ‘અમેરિકા ભારત સાથે એ જ ભૂલ નહીં કરે જે એણે ચીન સાથે કરી હતી. એ એવાં આર્થિક પ્રોત્સાહનો નહીં આપે જે ભારતને ચીન જેવો મોટો હરીફ બનાવે.’
નિષ્ણાતો માને છે કે અમેરિકાના પ્રધાન દ્વારા આપવામાં આવેલાં બિનજરૂરી નિવેદનોનો જવાબ આપીને વિદેશપ્રધાને ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા પર વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હુમલાનો પણ જવાબ આપ્યો છે.