13 November, 2025 07:18 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીના કાર-ધડાકામાં ઘાયલ થયેલા લોકોને નરેન્દ્ર મોદી ગઈ કાલે લોક નાયક હૉસ્પિટલમાં મળ્યા હતા.
દિલ્હીમાં થયેલા બૉમ્બબ્લાસ્ટને કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે આતંકવાદી ઘટના માની હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈ કાલે મળેલી કૅબિનેટ કમિટી આૅન સિક્યૉરિટીની બેઠક પછી કૅબિનેટની મીટિંગમાં આ બાબતે સખત પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. એમાં કહેવામાં આવ્યું કે આ હુમલો દેશવિરોધી તાકાત દ્વારા કરવામાં આવ્યો હતો, એનો ઉદ્દેશ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવીને દેશની એકતાને પડકારવાનો હતો. આ બેઠકમાં દિલ્હીમાં જીવ ગુમાવનારા નિર્દોષ નાગરિકો પ્રત્યે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. સરકારે કહ્યું હતું કે ‘ભારત આતંકવાદના કોઈ પણ રૂપ કે અભિવ્યક્તિ પ્રત્યે ઝીરો ટૉલરન્સ નીતિ પર અડગ છે. આ આતંકી ઘટનાની દરેક દૃષ્ટિથી તપાસ કરવામાં આવશે અને ષડયંત્રકારીઓ, મદદગારો અને તેમના વિદેશમાં વસતા સરદારો સાથે બહુ જલદીથી ન્યાય થશે.’ દુનિયાના ઘણા દેશોએ આ હુમલાની નિંદા કરીને ભારત પ્રત્યે એકજૂટતા જતાવી છે.
આતંકવાદી ડૉ. શાહીન શાહિદે કરી કબૂલાત : માત્ર દિલ્હી જ નહીં, અયોધ્યાનું રામ મંદિર અને વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર પણ અમારા નિશાન પર હતાં
અયોધ્યા માટે એક સ્લીપર સેલ સક્રિય હતો, જોકે ફરીદાબાદમાં મોતનો સામાન પકડાઈ જવાથી તેમના નાપાક ઇરાદા ફળીભૂત ન થયા
દિલ્હી વિસ્ફોટોમાં સુરક્ષા એજન્સીઓની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ ચોંકાવનારા ખુલાસા બહાર આવી રહ્યા છે. આતંકવાદીઓએ માત્ર દિલ્હી જ નહીં, ઉત્તર પ્રદેશનાં અનેક ધાર્મિક સ્થળો જેમ કે અયોધ્યાના રામ મંદિર અને વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરને પણ નિશાન બનાવ્યાં હતાં. આતંકવાદીઓ વારાણસી અને અયોધ્યામાં વિસ્ફોટ કરવા માગતા હતા. ફરીદાબાદ આતંકવાદી મૉડ્યુલની મેમ્બર ડૉ. શાહીન શાહિદની પૂછપરછમાં આ ખુલાસો થયો હતો.
શાહીને વિસ્ફોટો માટે અયોધ્યા સ્લીપર મૉડ્યુલને સક્રિય કર્યો હતો. જોકે સ્લીપર સેલ અયોધ્યા અથવા વારાણસીમાં એની યોજનાઓ પાર પાડે એ પહેલાં ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) અને પોલીસના દરોડા દરમ્યાન ફરીદાબાદમાં વિસ્ફોટકોનો મોટો જથ્થો પકડાઈ ગયો હતો અને આમ તેમના નાપાક ઇરાદાઓ પર પાણી ફરી વળ્યું હતું.
મહિલાઓને તાલીમ આપતી
શાહીન ભારતમાં જમાત-ઉલ-મોમિનતની મુખ્ય કમાન્ડર હતી, જેનું નેતૃત્વ આતંકવાદી મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર કરી રહી છે. શાહીન એવી છોકરીઓને જમાત-ઉલ-મોમિનતમાં ભરતી કરવા માટે જવાબદાર હતી જે પહેલેથી જ કટ્ટરપંથી હતી. શાહીન એવી મહિલાઓને નિશાન બનાવતી હતી જે આર્થિક રીતે નબળી હતી. વધુમાં શાહીન દૌરા-એ-તસ્કિયા તરીકે ઓળખાતી મહિલા આતંકવાદીઓને પ્રારંભિક તાલીમ આપવા માટે પણ જવાબદાર હતી. આ તાલીમ કાર્યક્રમ નવી મહિલા આતંકવાદીઓનું બ્રેઇનવૉશ કરે છે અને તેમને શીખવે છે કે સ્વર્ગ મેળવવા માટે ભારત સામે જેહાદ જરૂરી છે. શાહીને જૈશના દૌરા-એ-આયાત-ઉલ-નિસામાં પણ તાલીમ લીધી હતી.
ઑનલાઇન ક્લાસ
શાહીનને ધાર્મિક ગ્રંથોમાં મહિલાઓને જેહાદનું મહત્ત્વ સમજાવવા માટે પણ તાલીમ આપવામાં આવી હતી. શાહીનનું ધ્યેય જૈશ-એ-મોહમ્મદમાં જોડાવા માટે વધુ મુન્તાઝીમા (ટીમ લીડર)ની ભરતી કરવાનું હતું. શાહીન જૈશની મહિલા બ્રિગેડ જમાત-ઉલ-મોમિનત સાથે મહિલાઓને જોડવા માટે ઑનલાઇન ક્લાસ પણ તૈયાર કરી રહી હતી. આ બ્રિગેડમાં એવી ભારતીય મહિલાઓનો સમાવેશ કરવાનો હતો જેમના પુરુષોની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ધરપકડ કરવામાં આવી હતી અને જેમને લાગતું હતું કે તેમને ભારત સરકાર દ્વારા જાણી જોઈને ફસાવવામાં આવી રહ્યા છે.
આત્મઘાતી બૉમ્બર બનાવવાની યોજનાનો ખુલાસો
શાહીને તાલીમ દરમ્યાન જૈશ-એ-મોહમ્મદની મહિલા આતંકવાદીઓને મસૂદ અઝહરનું પુસ્તક પૂરું પાડવાની પણ યોજના બનાવી હતી. આ તાલીમ દ્વારા શાહીને મહિલા આત્મઘાતી બૉમ્બર બનાવવાની પણ યોજના બનાવી હતી. અહેવાલો અનુસાર શાહીન મસૂદના ભાઈ તલ્હા અલ-સૈફ સાથે સીધા સંપર્કમાં હતી. શાહીન પોતે ઘણી તબીબી સંસ્થાઓમાં કામ કરી ચૂકી હોવાથી તેણે તેના વર્તુળનાં ડૉક્ટરો અને નર્સોને આતંકવાદી તાલીમમાં સામેલ કરવાની યોજના બનાવી હતી.