27 August, 2025 09:37 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
INS ઉદયગિરિ
ભારતીય નૌકાદળમાં ગઈ કાલે બે અદ્યતન નીલગિરિ વર્ગનાં સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ્સ ઇન્ડિયન નેવલ શિપ (INS) ઉદયગિરિ અને INS હિમગિરિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વમાં વિશાખાપટ્ટનમમાં એક કાર્યક્રમમાં આ બે યુદ્ધજહાજોને સત્તાવાર રીતે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. આનાથી સમુદ્રમાં ભારતની તાકાતમાં વધારો થયો છે. આ સાથે ભારત પાસે હવે ત્રણ ફ્રિગેટ સ્ક્વૉડ્રન પણ છે. નૌકાદળમાં જોડાયા પછી આ બન્ને યુદ્ધજહાજો ઈસ્ટર્ન કમાન્ડમાં જોડાશે, જે હિન્દી મહાસાગર ક્ષેત્રમાં ભારતનાં દરિયાઈ હિતોનું રક્ષણ કરવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.
ભારતીય નૌકાદળમાં આ બન્ને યુદ્ધજહાજોના સમાવેશ સાથે ભારત હવે સમુદ્રમાં પાકિસ્તાન અને ચીનને વધુ મજબૂત જવાબ આપી શકશે. સ્વદેશી યુદ્ધજહાજો એક પછી એક બનવાથી નૌકાદળની તાકાતમાં વધારો થયો છે જેને કારણે ભારતના બન્ને પાડોશીઓ નારાજ છે.
INS ઉદયગિરિ અને INS હિમગિરિ
ઉદયગિરિ અને હિમગિરિ પ્રોજેક્ટ 17 (શિવાલિક) વર્ગના જહાજનું નવું સંસ્કરણ છે. એમાં સ્ટેલ્થ (રડારની પહોંચથી બચવા માટે સક્ષમ), શસ્ત્રો અને સેન્સર સિસ્ટમ્સમાં નોંધપાત્ર સુધારા છે. ઉદયગિરિ પ્રોજેક્ટ 17A યુદ્ધજહાજનું બીજું જહાજ છે અને એ મુંબઈસ્થિત માઝગાવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા બનાવવામાં આવ્યું છે.
શું કહ્યું રાજનાથ સિંહે?
આ પ્રસંગે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘INS હિમગિરિ અને INS ઉદયગિરિ બન્ને સ્વદેશી રીતે બનેલાં આધુનિક યુદ્ધજહાજો છે. મને કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધજહાજોમાં ઘણી અદ્યતન ક્ષમતાઓ છે. લાંબા અંતરનાં સર્ફેસ-ટુ-સર્ફેસ મિસાઇલો, સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલો, સ્વદેશી રૉકેટ લૉન્ચર, ટૉર્પીડો લૉન્ચર, વૉર મૅનેજમેન્ટ સિસ્ટમ અને ફાયર કન્ટ્રોલ સિસ્ટમ્સ એમાં સ્થાપિત કરી શકાય છે. આ બન્ને યુદ્ધજહાજો સમુદ્રમાં ખતરનાક કામગીરીમાં ગેમ-ચેન્જર સાબિત થશે.’