12 March, 2026 02:41 PM IST | Kochi | Gujarati Mid-day Correspondent
લાન્સ નાયક
ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) માટે જાસૂસી કરતા નૌકાદળના લાન્સ નાયકની ધરપકડ કરી છે. આરોપી ૨૪ વર્ષનો લાન્સ નાયક આદર્શકુમાર ઉર્ફે લકી (બલબીર સિંહનો પુત્ર) આગરાના કાગારોલ પોલીસ-સ્ટેશન વિસ્તારના ચીતપુર ગામનો રહેવાસી હતો. તે હાલમાં કોચીમાં ભારતીય નૌકાદળના દક્ષિણ નૌકાદળ કમાન્ડમાં પોસ્ટેડ હતો. તે લાંબા સમયથી ISI માટે ભારતની જાસૂસી કરી રહ્યો હતો. ATSને તાજેતરમાં માહિતી મળી હતી કે આરોપી લાન્સ નાયક ભારતથી ISIને ગુપ્ત માહિતી પૂરી પાડી રહ્યો છે. તેણે ISIમાં તેના હૅન્ડલરને નૌકાદળની વિવિધ માહિતી પણ આપી હતી.
આ બાબતની તપાસ કર્યા પછી ATSએ તેની ઓળખ જાહેર કરી હતી. તેના બૅન્ક-ખાતામાં ISI એજન્ટની સાથે મોટી રકમની લેવડદેવડ કરવામાં આવી હતી. તેણે ISIને યુદ્ધજહાજોના ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા હતા. ATSએ તેને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને ISIને ગુપ્ત માહિતી પૂરી પાડવા અંગે પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પરિણામે ATSએ તેની ધરપકડ કરીને મંગળવારે કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.