30 October, 2025 02:14 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશના ટેક્નૉલૉજી કૅપિટલ તરીકે જાણીતા બૅન્ગલોરથી એક ઐતિહાસિક સિદ્ધિના સમાચાર આવ્યા છે. ભારતમાં બનેલી પ્રથમ ડ્રાઇવરલેસ કાર WIRIN (Wipro, IISc રિસર્ચ ઍન્ડ ઇનોવેશન નેટવર્ક) રજૂ કરવામાં આવી હતી. વિપ્રો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc) અને RV કૉલેજ ઑફ એન્જિનિયરિંગ આ ત્રણેય પ્રતિષ્ઠિત સંસ્થાઓએ સાથે મળીને આ પ્રોજેક્ટ પાર પાડ્યો હતો. આ કારનો પહેલો જ પ્રોટોટાઇપ છે અને અત્યારે ટેસ્ટિંગ ફેઝમાં છે. કારની ટેક્નિક સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા છે.
આ પ્રોજેક્ટ રજૂ કરાતો હોય એનો એક નાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. ૨૮ સેકન્ડના આ વિડિયોમાં આ પ્રોટોટાઇપ કાર ડ્રાઇવર વિના RV કૉલેજના કૅમ્પસમાંથી પસાર થતી જોઈ શકાતી હતી. વિડિયોમાં એ પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે કારમાં ઉત્તરાદિ મઠના મઠાધીશ શ્રી સત્યાત્મા તીર્થ બેઠા છે અને કાર એની જાતે ચાલી રહી છે.