પ્રેગ્નન્સીમાં કિડની-ફેલ્યર થયું અને હાર્ટ-અટૅક આવ્યો, સાત મિનિટ હૃદય બંધ રહ્યું છતાં ટ્‍વિન્સને જન્મ આપ્યો

22 December, 2025 10:05 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

મેડિકલ વિશ્વમાં જવલ્લે જ જોવા મળે એવો કેસ બન્યો ઇન્દોરમાં

ફાઇટર મમ્મી જાગૃતિની સાથે પરિવારજનો અને ડૉક્ટરોની ટીમ.

ઇન્દોરમાં એક મહિલાએ જિંદગી અને મોત વચ્ચેનો જંગ લડીને પોતાનાં બે સંતાનોને જન્મ આપ્યો છે. કોઈએ કદી કલ્પી પણ ન હોય એવી જટિલ પ્રેગ્નન્સીની સમસ્યાઓ હોવા છતાં ૩૫ વર્ષની જાગૃતિ કુશવાહાએ બાળકને જન્મ આપ્યો હતો. તેનો પતિ રાહુલ કુશવાહા એક હૉસ્પિટલમાં બાયોમેડિકલ એન્જિનિયર તરીકે કામ કરે છે. પ્રેગ્નન્સી દરમ્યાન બ્લડપ્રેશર વધી જાય તોય બાળક અને મા બન્ને પર જોખમ વધી જાય છે, જ્યારે જાગૃતિને તો પ્રેગ્નન્સી દરમ્યાન એટલી બીમારીઓ આવી કે એની સામે નૉર્મલ માણસ પણ ભાગ્યે જ જીતી શકે. 

જાગૃતિને ૧૮મા અઠવાડિયે અચાનક બ્લીડિંગ થવાનું શરૂ થઈ જતાં તેને હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરાવવી પડી. એમાં નિદાન થયું કે તેનાં ઇન્ટરર્નલ ઑર્ગન્સમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે. લિવરમાં ઇન્જરી થઈ હોવાથી ઇન્ફેક્શન પેટના બીજા અવયવોમાં પણ ફેલાઈ ગયું અને મલ્ટિ-ઑર્ગન ફેલ્યરની સ્થિતિમાં તેની કિડની ખરાબ થઈ ગઈ. કિડની કામ કરતી બંધ થઈ જવી એ નૉર્મલ વ્યક્તિ માટે પણ જોખમી હોય છે, જ્યારે જાગૃતિ માટે પ્રેગ્નન્સી સાથે કિડની-ફેલ્યરની ટ્રીટમેન્ટ કરવાનું અઘરું હતું. ડૉક્ટરોએ તેને ગર્ભ પડાવી નાખવાનું કહ્યું, પણ તે ન માની. શરીરમાં સતત શુદ્ધ લોહી ફરતું રહે એ માના સ્વાસ્થ્ય માટે અને બાળકના ગ્રોથ માટે બહુ જ જરૂરી હોવાથી ડૉક્ટરોએ રોજ છ કલાક ડાયાલિસિસ પર જાગૃતિને રાખી. જો કોઈ દરદીને ચાર વીકથી વધુ લાંબો સમય રોજ ડાયાલિસિસ કરાવવું પડે તો તેની બાયોપ્સી કરાવવામાં આવે છે. જાગૃતિની બાયોપ્સીના રિઝલ્ટમાં ખબર પડી કે તેની કિડની એ હદે ડૅમેજ થઈ ગઈ છે કે હવે એ ક્યારેય રિકવર નહીં થઈ શકે. તે પ્રેગ્નન્ટ હોવાથી બાળક સાથે કિડની-ટ્રાન્સપ્લાન્ટ પણ શક્ય નહોતું એટલે તેને ડૉક્ટરોએ સતત ડાયાલિસિસ પર જ રાખી. ફરીથી ડૉક્ટરોએ જાગૃતિને ગર્ભ પાડી નાખવાની સલાહ આપી, પરંતુ સાત વર્ષ પછી અનેક માનતાઓ બાદ તેને સારા સમાચાર મળ્યા હોવાથી તે કોઈ કાળે બાળકોને ગુમાવવા નહોતી માગતી.

જોકે સાતમા મહિનાની પ્રેગ્નન્સી ચાલી રહી હતી ત્યારે ડાયાલિસિસ દરમ્યાન જ તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. તેનું હાર્ટ ઑલમોસ્ટ બંધ થઈ જતાં તરત વેન્ટિલેટર પર ખસેડવામાં આવી. ડૉક્ટરોએ કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) નામની હૃદયને ફરીથી ધબકતું કરવા માટે અપાતી થેરપી આપતાં સાત મિનિટ પછી તેના શ્વાસ પાછા આવ્યા. તેનું હાર્ટ બંધ થઈ ગયું હોવા છતાં ગર્ભમાં બન્ને બાળકો સ્વસ્થ હતાં. જોકે સાતમો મહિનો પૂરો થતાં જ તેને કમળો એટલે કે જૉન્ડિસ થઈ ગયો. આ સમસ્યા બાળક અને મા બન્ને માટે ઘાતક હોવાથી તરત જ સિઝેરિયન કરીને બાળકનો જન્મ કરાવી લેવાનું નક્કી થયું અને જાગૃતિના ખોળામાં આવ્યાં બે ફૂલ જેવાં અન્ડરવેઇટ બાળકો. દીકરો ૮૩૫ ગ્રામનો હતો અને દીકરી ૧૧૩૦ ગ્રામની. બન્નેને દોઢ મહિનો ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યાં. 

જાગૃતિનો ઇલાજ કરનારા નેફ્રોલૉજિસ્ટ ડૉ. સની મોદીએ કહ્યું હતું કે ‘આટલી કૉમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સીમાં સામાન્ય રીતે ગર્ભપાત જ કરાવાતો હોય છે, પરંતુ જાગૃતિ ફાઇટર છે, તેની હિંમત અને દૃઢ વિશ્વાસને કારણે આજે તે અને તેનાં બન્ને બાળકો સ્વસ્થ છે.’

ડૉ. સની મોદીએ દાવો કર્યો છે કે મેડિકલની દુનિયામાં આવો કેસ પહેલાં ક્યારેય નથી બન્યો કે ડાયાલિસિસ દરમ્યાન સફળ પ્રેગ્નન્સી અને ડિલિવરી થઈ હોય.

હવે શું?
બન્ને સંતાનો હવે ઘરે આવી ગયાં છે અને લગભગ નૉર્મલ થઈ ચૂક્યાં છે. કિડની-ફેલ્યરને કારણે જાગૃતિને વીકમાં બે વાર ડાયાલિસિસની જરૂર પડે છે અને કિડની-ટ્રાન્સપ્લાન્ટ માટે તેનું નામ વેઇટિંગ લિસ્ટમાં છે.

national news india indore heart attack