17 November, 2025 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચંદ્રયાન
અવકાશમાં નવા માપદંડો સ્થાપિત કરી રહેલા ભારતની સફળતા પાછળ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો)ના વૈજ્ઞાનિકોનો હાથ છે અને હવે ઇસરોએ આગામી વર્ષોના વિવિધ કાર્યક્રમોની જાણકારી આપી છે. ચંદ્રયાન મિશન-૪ને મંજૂરી મળી ચૂકી છે અને એ ૨૦૨૭માં લૉન્ચ થશે. બીજી તરફ ૨૦૩૫ સુધીમાં ભારત પોતાનું સ્પેસ-સ્ટેશન સ્થાપવાનું છે. આ નાણાકીય વર્ષમાં વધુ ૭ લૉન્ચનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૨૭ સુધીમાં ભારતનું પ્રથમ માનવસહિત અવકાશયાન લૉન્ચ કરવાની યોજના પણ ચાલી રહી છે.
આ સંદર્ભમાં ઇસરોના ચૅરમૅન વી. નારાયણને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘ઇસરો એની અવકાશયાન ઉત્પાદનક્ષમતાને ત્રણગણી કરશે. ઇસરો ૭ વધુ લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં એક વાણિજ્યિક સંચાર ઉપગ્રહ અને અનેક PSLV અને GSLV મિશનનો સમાવેશ થાય છે. એક મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે પ્રથમ PSLV સંપૂર્ણપણે ભારતીય હશે.’
સરકારે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી
ઇસરોના વડાએ એમ પણ જણાવ્યું હતું કે ‘સરકારે ચંદ્ર પરથી નમૂનાઓ મેળવવા માટે એક જટિલ મિશન ચંદ્રયાન-4ને મંજૂરી આપી છે. ઇસરો ૨૦૨૮ સુધીમાં ચંદ્રયાન-4 લૉન્ચ કરવાનું લક્ષ્ય રાખે છે. વધુમાં જપાન ઍરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) સાથે સહયોગમાં લુનાર પોલર એક્સપ્લોરેશન પ્રોગ્રામ (LUPEX) પર કામ ચાલી રહ્યું છે. વધતી જતી મિશન ડિમાન્ડને પહોંચી વળવા માટે ઇસરો આગામી ૩ વર્ષમાં અવકાશયાન ઉત્પાદનને ત્રણગણું કરવાનું લક્ષ્ય રાખે છે.’
૨૦૩૫ સુધી ભારતનું પોતાનું સ્પેસ-સ્ટેશન
ઇસરો ૨૦૩૫ સુધીમાં પોતાનું ભારતીય
સ્પેસ-સ્ટેશન બનાવવા માટે કામ કરી રહ્યું છે. એનાં પાંચ મૉડ્યુલમાંથી પહેલું મૉડ્યુલ ૨૦૨૮ સુધીમાં ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. આનાથી ભારત પોતાનું સ્પેસ-સ્ટેશન ધરાવતો ત્રીજો દેશ બનશે, કારણ કે અમેરિકાના નેતૃત્વ હેઠળનું ઇન્ટરનૅશનલ સ્પેસ-સ્ટેશન (ISS) એના અંતની નજીક છે અને ચીનનું ટિઆન્ગૉન્ગ સંપૂર્ણપણે કાર્યરત થઈ રહ્યું છે.
માનવરહિત મિશન
ભારતના પ્રથમ માનવ અવકાશયાન મિશન ગગનયાન અંગે નારાયણને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘માનવરહિત મિશન માટે ફક્ત સમયરેખા બદલાઈ છે. માનવરહિત મિશન ૨૦૨૫ માટે લક્ષ્યાંકિત હતું. માનવરહિત મિશન હંમેશાં ૨૦૨૭ માટે આયોજન કરવામાં આવ્યું હતું અને આજની તારીખ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતીય અવકાશયાત્રીઓ સાથેના પ્રથમ ઉડાન પહેલાં ૩ માનવરહિત પરીક્ષણ મિશન થશે.’
ભારતીય ચંદ્ર પર પહોંચશે
ઇસરોના વડાએ કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોને ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્રની સપાટી પર મોકલવા અને ૨૦૪૦ સુધીમાં તેમને સુરક્ષિત રીતે પરત કરવા માટે કામ કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. ભારતની લાંબા ગાળાની માનવરહિત અવકાશયાન યોજના એને વિશ્વની અગ્રણી અવકાશ-શક્તિઓમાં સ્થાન આપે છે. અમેરિકા આર્ટેમિસ હેઠળ ચંદ્ર પર માનવરહિત મિશનની યોજના બનાવી રહ્યું છે, જ્યારે ચીને એના પ્રથમ માનવરહિત ચંદ્ર મિશન માટે ૨૦૩૦નું લક્ષ્ય રાખ્યું છે.’
ચારગણો હિસ્સો વધારશે
વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતનો હિસ્સો હાલમાં લગભગ બે ટકા છે અને ઇસરો ૨૦૩૦ સુધીમાં એને વધારીને ૮ ટકા કરવા માટે કામ કરી રહ્યું છે. ભારતનું અવકાશ અર્થતંત્ર હાલમાં આશરે ૮.૨ અબજ અમેરિકી ડૉલરનું છે અને ૨૦૩૩ સુધીમાં એ વધીને ૪૪ અબજ ડૉલર થવાનો અંદાજ છે, જ્યારે વૈશ્વિક અવકાશ અર્થતંત્ર હાલમાં આશરે ૬૩૦ અબજ ડૉલરનું છે અને ૨૦૩૫ સુધીમાં ૧.૮ ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચી શકે છે.