26 December, 2025 08:56 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક કેસની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે જો કોઈ પતિ પોતાની પત્ની પાસે ઘરના તમામ ખર્ચનો હિસાબ રાખવા માટે એક્સેલ શીટ બનાવવાનું કહેતો હોય તો એ પતિનું પત્ની પ્રત્યેનું હિંસક વર્તન છે એવું ન માની શકાય, આ મુદ્દાના આધાર પર પતિ પર કોઈ ગુનાહિત કાર્યવાહી શરૂ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે પત્ની દ્વારા પતિ વિરુદ્ધ દાખલ કરાયેલી ફરિયાદને રદ કરીને કહ્યું હતું કે ભારતીય સમાજની એ સચ્ચાઈ હોઈ શકે જ્યાં પુરુષ ક્યારેક હાવી થવાની કોશિશ કરે છે અને ઘરનો નાણાકીય કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લે છે, પરંતુ એ ગુનાની કાર્યવાહી શરૂ કરવાનો આધાર ન બની શકે.
કેસની સુનાવણી દરમ્યાન જસ્ટિસ બી. વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે કહ્યું હતું કે ‘લગ્નજીવનને લગતા કેસમાં બહુ સાવધાન રહેવું જોઈએ અને ક્યારેક વ્યવહારિક વાસ્તવિકતાનો પણ વિચાર કરવો જોઈએ. કાયદાનો દુરુપયોગ રોકવા માટે પણ વધુ સાવધાનીની જરૂર છે કેમ કે મોટા ભાગની સમસ્યાઓ રોજબરોજની નાની-મોટી વાતોને કારણે જ પેદા થઈ હોય છે એટલે દરેક વર્તનને ક્રૂરતાની શ્રેણીમાં ન રાખી શકાય. માતા-પિતાને પૈસા મોકલવા, ખર્ચનો હિસાબ માગવો, મેદસ્વિતા માટે ટોકવું જેવી બાબતોને હિંસાનાં ચશ્માંથી ન જોવાય.’